બારડોલી: બારડોલી તાલુકા આમ આદમી પાર્ટી (આપ) દ્વારા કેન્દ્ર સરકારના કપાસની આયાત પરથી તમામ ટેક્સ હટાવવાના નિર્ણયનો તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી અને બારડોલીના ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખીને આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે 19 ઓગસ્ટના રોજ લેવાયેલો આ નિર્ણય ભારત અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ખતરારૂપ સાબિત થશે.

આપના જણાવ્યા અનુસાર, ભારતમાં કપાસનું ઉત્પાદન કુલ જરૂરિયાત કરતાં થોડું વધારે છે, તેથી વિદેશી કપાસને ટેક્સ વિના આયાત કરવાની મંજૂરી આપવી યોગ્ય નથી. પાર્ટીએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે આ નિર્ણય અમેરિકાના દબાણ હેઠળ લેવાયો હોઈ શકે છે. અમેરિકન ખેડૂતોને દર વર્ષે આશરે 54 લાખ રૂપિયાની સબસિડી મળે છે, જેના કારણે ભારતીય ખેડૂતો તેમની સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી.
પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું તે વચન યાદ કરાવ્યું છે, જેમાં તેમણે ભારતીય ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આપે ચેતવણી આપી છે કે જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે, તો તેઓ ખેડૂતોના હિતો માટે સંઘર્ષનો માર્ગ અપનાવશે.