CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે યોજાયેલી ક્રેડાઈ (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઇન્ડિયા)ની નેશનલ કોન્કલેવને સંબોધતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે વિઝન આપ્યું છે તેને પૂર્ણ કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો ફાળો મોટો રહેશે.
ભારતરત્ન તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની જન્મજયંતિના એક અઠવાડિયા પહેલાં આયોજિત આ કોન્કલેવમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વાજપેયીજીએ સુશાસનનો અને 21મી સદીના ભારતનો પાયો નાખ્યો હતો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેને ગતિપૂર્વક આગળ વધારીને વિકાસનો મજબૂત આધાર તૈયાર કર્યો છે.
દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર તરીકે ભારતમાં ‘હાઉસિંગ ફોર ઓલ’ના લક્ષ્યાંકનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ પાકું મકાન મળે. પ્રધાનમંત્રી આવાસ યોજના આ દિશામાં મહત્વનું પગલું છે. આ સંકલ્પને પૂરો કરવા ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવાં તેમણે અનુરોધ કર્યો હતો.
રિયલ એસ્ટેટ ડેવલપર્સની વિશેષ ભૂમિકા પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રિયલ એસ્ટેટ માત્ર જમીન, ઇમારત કે ચાર દીવાલો નથી, પરંતુ તે એ સ્થળ છે જ્યાં પરિવારના સપનાઓ સમાયેલા હોય છે, વેપાર-ધંધો સફળતા મેળવે છે અને લોકો સાથે મળીને પોતાના જીવનને ઉન્નત બનાવે છે.
મુખ્યમંત્રીએ ડેવલપર્સને અપીલ કરતાં કહ્યું કે આપણે એવા મકાનો બનાવીએ જેમાં ભારતીયતાની મહેક હોય. વિદેશી ટેકનોલોજીથી ભલે પ્રેરણા લઈએ, પરંતુ ડિઝાઇન ભારતીય રાખીએ. કન્સ્ટ્રક્શનમાં ‘મેડ ઇન ઇન્ડિયા’નો સૂર હોય અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકતા હોય તેવા નિર્માણ કરીએ.
CM Bhupendra Patelએ સસ્ટેનેબિલિટી અને ઇનોવેશન પર ભાર મૂકતાં કહ્યું કે, પર્યાવરણને અનુકૂળ ઘરો, ઓફિસો અને સરકારી ઇમારતો બનાવવી જરૂરી છે. આ માટે નવા સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું પડશે. વધતા શહેરીકરણને કારણે સંસાધનોનું સંચાલન કરવા દૂરંદેશી આયોજનની જરૂરીયાત તેમણે સમજાવી હતી.
ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા 25 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત વેલ-પ્લાન્ડ અર્બન ડેવલપમેન્ટ સહિત વિકાસનું રોલ મોડલ બન્યું છે. એટલું જ નહિં દેશનું સૌથી વધુ શહેરીકૃત રાજ્ય છે.
ગુજરાતમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ અને સમયબદ્ધ પરમિશન જેવી વ્યવસ્થાઓને કારણે ડેવલપર્સ રોકાણ કરવા આકર્ષિત થયા છે. ગ્રીન બિલ્ડિંગ, રિન્યુએબલ એનર્જી, વોટર કન્ઝર્વેશન અને વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવાના કારણે ગુજરાત રિયલ એસ્ટેટ માટે શ્રેષ્ઠ સ્થાન બન્યું છે.
ગિફ્ટ સિટી અને ધોલેરા સ્માર્ટ સિટીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાનની દૂરંદેશીને કારણે આવા આઇકોનિક પ્રોજેક્ટ્સ વિકસ્યા છે. ધોલેરા 920 ચો.કિ.મી. વિસ્તારમાં વિકસી રહ્યું છે, જ્યાં સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને ડિફેન્સ જેવી ઉદ્યોગો આવી રહ્યા છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને ગ્રીનફિલ્ડ એરપોર્ટના કામો પૂર્ણતાના તબક્કામાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનથી ગિફ્ટ સિટીમાં પ્લગ એન્ડ પ્લે સહિત એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે કે, બિઝનેસ પ્લેયરને અહીં આવતા પહેલાથી જ ઉત્તમ સુવિધાઓ તૈયાર મળી રહે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકસિત ભારત આત્મનિર્ભર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગનું પ્રતીક બનવું જોઈએ. તેમાં ઇનોવેશન, ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટીનો સંગમ પણ હોય. લિવેબલ અને લવેબલ, સસ્ટેનેબલ અને ફ્યુચર-રેડી શહેરો બનાવવા રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌને મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ નેશનલ કોન્કલેવમાં ક્રેડાઈના ચેરમેન બોમન ઈરાની, પ્રેસિડેન્ટ શેખર પટેલ, પ્રેસિડેન્ટ ઈલેક્ટેડ જી. રામ રેડ્ડી અને દેશના વિવિધ રાજ્યોના ક્રેડાઈના પ્રતિનિધિઓ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા





