Gujarat High Court એડવોકેટ્સ એસોસીએશનના વકીલો વચ્ચેનો ગજગ્રાહ ફરી એકવાર સામે આવ્યો છે અને આ વખતે ખુદ હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ જે.ત્રિવેદી વિરૂધ્ધ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. વાત એટલે સુધી ચરમસીમાએ પહોંચી કે, ખુદ એસોસીએશનના ૬૪ સભ્યોએ સહી સાથેનો પત્ર હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના ઉપપ્રમુખ વિરાટ પોપટને પાઠવી એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ જશવંતરાય ત્રિવેદીને તાત્કાલિક ધોરણે પ્રમુખપદેથી દૂર કરવા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી નવા પ્રમુખની નિમણૂંક માટે જનરલ બોડીની બેઠક બોલાવવા ઉગ્ર માંગણી કરી છે.

અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા જનરલ બોડીની બેઠક બોલાવાઈ : નવા પ્રમુખ માટે મતદાન થશે જેને પગલે Gujarat High Courtમાં

વકીલોનું રાજકારણ ગરમાયું છે. બીજીબાજુ, તા.૧૪મી ઓકટોબરે જનરલ બોડીની બેઠક બોલાવાઈ છે અને એ જ દિવસે મતદાનનું પણ આયોજન કરાયું છે. Gujarat High Court એડવોકેટ્સ એસોસીએશનની જનરલ બોડીની બેઠક બોલાવવા અને નવા પ્રમુખની ચૂંટણી માટે મતદાન અંગે મેનેજીંગ કમીટીના વડા અને એસોસીએશનના ઉપપ્રમુખ | વિરાટ પોપટ સહિતના હોદ્દેદારોની બેઠકમાં આ અંગેનો વિધિવત્ ઠરાવ પણ પસાર કરી દેવાયો છે.

એસોસીએશનના નારાજ સભ્યોના આ પત્રને પગલે એસોસીએશનના ઉપપ્રમુખ અને મેનેજીંગ કમીટીના વડા વિરાટ પોપટની અધ્યક્ષતામાં આજરોજ અસાધારણ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એસોસીએશનના પ્રમુખપદેથી બ્રિજેશ જે.ત્રિવેદીને દૂર કરવા માટે તા. ૧૪મી ઓકટોબરે જનરલ બોડીની બેઠક બોલાવવાનો અને એ જ દિવસે સવારે ૧૦-૩૦ વાગ્યે હાઇકોર્ટ બાર રૂમ ખાતે મતદાનનો અગત્યનો નિર્ણય લેવાયો હતો. આ ચૂંટણી પ્રક્રિયા માટે નીલેશ એ.પંડયાને નોડલ ઓફિસર તરીકે નિયુકત કરવા અંગે પણ ઠરાવ નિયુક્ત પસાર કરાયો હતો.