Gujaratના કચ્છ જિલ્લામાં રવિવારે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જિલ્લા પ્રશાસને કહ્યું કે હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.

ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે નોંધાયો હતો તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ મહિનામાં જિલ્લામાં 3 થી વધુની તીવ્રતાની આ ત્રીજી ધરતીકંપની પ્રવૃત્તિ છે. અગાઉ 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ISR ડેટા અનુસાર 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગત મહિને 18 નવેમ્બરે કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ISR અનુસાર અગાઉ 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ગુજરાત ભૂકંપની દૃષ્ટિએ અત્યંત જોખમી વિસ્તાર છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના ડેટા અનુસાર છેલ્લા 200 વર્ષમાં ગુજરાતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે.

GSDMA મુજબ 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. આ ભૂકંપમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામડાઓ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા જેમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.