Gujarat News: 2018 ના અપહરણ અને Bitcoinખંડણી કેસમાં અમદાવાદની એક કોર્ટે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. સજા પામેલાઓમાં અમરેલી જિલ્લાના ભૂતપૂર્વ એસપી જગદીશ પટેલ પણ સામેલ છે.
અમદાવાદ સેશન્સ કોર્ટના જજ બી.બી. જાધવે કોટડિયા, પટેલ અને અન્ય લોકોને સજા ફટકારી છે. આ બધા પાંચ વર્ષ પહેલા બનેલા અપહરણ કેસમાં દોષિત ઠર્યા હતા. પૂર્વ ધારાસભ્ય સહિત આ લોકોએ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના ભાગીદારનું ગાંધીનગરથી અપહરણ કર્યું હતું અને ખંડણી તરીકે 32 કરોડ રૂપિયાના 200 Bitcoinપડાવ્યા હતા.
કોટડિયા 2012 થી 2017 સુધી અમરેલી જિલ્લાની ધારી બેઠકના ધારાસભ્ય હતા. કુલ15 આરોપીઓમાંથી ૧૪ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા જ્યારે વિપિન પટેલ નામના આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીઓને ૨૦૦ બિટકોઈન પડાવવાના કાવતરાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. આમાં અમરેલી પોલીસના 9 કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે.
આ કોન્સ્ટેબલો વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ પરેશ વાઘેલાએ જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં 9 પોલીસકર્મીઓ આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે. બિલ્ડરે આરોપ લગાવ્યો હતો કે પોલીસકર્મીઓએ તેમનું અને તેમના બિઝનેસ પાર્ટનર કિરીટ પાલડિયાનું 8 ફેબ્રુઆરી 2018 ના રોજ ગાંધીનગરથી અપહરણ કર્યું હતું. તેમણે તેમની પાસેથી બિટકોઇન પડાવ્યા હતા.
ભટ્ટે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે કોટડિયા અને તત્કાલીન એસપી પટેલ આ કાવતરામાં સામેલ હતા. ગૃહ વિભાગના નિર્દેશ પર સીઆઈડીએ એફઆઈઆર નોંધી હતી. ઘણા મહિનાઓ સુધી ફરાર રહ્યા બાદ, ભૂતપૂર્વ ધારાસભ્યએ સપ્ટેમ્બર 2018 માં મહારાષ્ટ્રમાં આત્મસમર્પણ કર્યું.