Kapadvanj: ખેડા જિલ્લાના કપડવંજ નગરમાં ચિલિંગ સેન્ટર પાસે વહેલી પરોઢિયે એક ગમખ્વાર અકસ્તાત સર્જાયો હતો.અકસ્માતમાં રસ્તાની ફૂટપાથ ઉપર સુઈ રહેલા બે શ્રમજીવીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જેના પગલે બન્ને મૃતકના પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વહેલી સવારે જેસીબી ચાલકે પોતાનું વાહન દહેગામ કપડવંજ રોડ ઉપર તાલુકા પંચાયતની દિવાલ નજીક અમુલ ચિલિંગ સેન્ટરની સામે રોડ ઉપર ભયજનક રીતે વાહન લાઈટ ચાલુ કર્યા વગર અને કે કોઈ રીફલેક્ટર નહીં લગાવી આવતા-જતા વાહનોને અડચણ રૂપ થાય તે રીતે પાર્ક કર્યું હતું.

આ દરમિયાન પાછળથી આવેલ ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફીકરાઈ અને ગફલતભરી રીતે હંકારી પાર્ક કરેલા જેસીબીના આગળના પાવડા ઉપર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં તાલુકા પંચાયતની વરંડાની બાજુમાં સુઈ રહેલા પંકજભાઈ ભવાનભાઈ પરમાર(આ.ઉ.વ. ૩૦) રહે. મોતીપુરા તાબે જગડુપુર, તા.કપડવંજ તથા તેમના મિત્ર ચંપાબેન શીવાભાઈ(આ.ઉ.વ.૩૦)રહે. માલઈટાડી,તા.કપડવંજનાઓને પાવડાથી ઉછાળી દિવાલમાં તાલુકા પંચાયતની દિવાલ સાથે અથડાવતા તેઓ બન્ને ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત તેમની સાથે સુઈ રહેલ ગૌતમભાઈ ઉર્ફે કવલો પ્રવિણભાઈ તીરગર હતા. ત્રણેય જણા મોડી રાત સુધી વાતો કરી ફૂટપાથ ઉપર સુઈ ગયા હતા.તે દરમિયાન આ બનાવ બન્યો હતો. બનાવના પગલે કપડવંજ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બન્ને મૃતકોને પી. એમ. માટે મોકલી ખોડાભાઈ સાલમભાઈ પરમારનાઓની ફરીયાદના આધારે બન્ને વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો