Praveen Ram AAP : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આજે કેશોદ તાલુકાના પંચાળા ગામથી “ઘેડ બચાવો પદયાત્રા”ની શરૂઆત કરી હતી. આ પદયાત્રાના પ્રારંભ સમયે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, મહત્વની વાત એ છે કે આ ઘેડના પૂરનો મુદ્દો વર્ષો જૂનો છે આ આજકાલનો મુદ્દો નથી. આપણે બધા માની બેઠા છીએ કે આ આપણા નસીબમાં છે પરંતુ, એવું નથી દરેક સમસ્યાનું નિરાકરણ હોય છે. દર વર્ષે તમારા જમીનની માટી ધોવાઈ જાય છે, પાક બરબાદ થઈ જાય છે છતાં પણ તમે બધા દુઃખી નજરે જુઓ છો. ક્યાં સુધી આપણે આપણી પીડા અને વેદનાને આપણા સુધી રાખીશું? એને બતાવવી પડશે જાહેર કરવી પડશે અને એટલા માટે જ આપણે આપણા શરીરને વેદના આપવી પડશે. આ પદયાત્રા 14માં દિવસે મઢડા પહોંચશે. આ પદયાત્રામાં આવનારા દિવસોમાં એટલી મોટી જનમેદની ઉભી કરીએ જેમ ઘેડમાં પાણીનું પૂર આવે તેવી જ રીતે રસ્તાઓ ઉપર ઘેડની પ્રજાનું, ઘેડના ખેડૂતોનું પૂર આવવું જોઈએ. આ જનમેદનીનું પૂર આવશે તો પેલું પાણીનું પૂર બંધ થશે બાકી બંધ નહીં થાય એટલું યાદ રાખજો. ભગવાન શ્રીરામ 14 વર્ષની પદયાત્રા કરી શકતા હોય તો આપણે આપણી પીડા વેદના માટે 14 દિવસ તો ચાલવું જ જોઈએ. જો આપણે આપણી પીડા માટે વેદના માટે ન ચાલે તો કોણ ચાલશે? મારી પીડા અને મારી વેદના લોકોને દેખાશે પરંતુ તમારી પીળા અને વેદના ત્યારે જ લોકોને દેખાશે જ્યારે તમે 14 દિવસ સુધી આપ પદયાત્રામાં જોડાશો.

AAP ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પંચાળા ગામમાં હાજર તમામ લોકોને અખોદર સુધી પદયાત્રામાં જોડાવા માટે અપીલ કરી હતી. પ્રવિણ રામે કહ્યું હતું કે, અહીંયાથી આપણે બધાએ પદયાત્રા સ્વરૂપે આગળ વધવાનું છે. કારણ કે તમે બધા ભેગા થઈને ચાલશો તો જ તમારી પીડા સરકારને દેખાશે બાકી અમે તો લાઈવ કરતા કરતા ચાલતા જઈશું પરંતુ તેનાથી ફક્ત મારી જ વેદના દેખાશે એમાં તમારી પીડા દેખાશે નહીં. જો તમારે તમારી પીડા દેખાડવી હોય વેદના દેખાડવી હોય તો તમારે તમારા પગને પીડા આપવી પડશે એ ફરજિયાત છે. થોડા કિલોમીટર ચાલીને ગાડીમાં બેસી જવાથી આપણી પદયાત્રા કહેવાશે નહીં. આજે પહેલો દિવસ છે તેથી ઓછા લોકો હશે જેમ જેમ લોકો આપણી પીડા અને વેદના જોશે તેમ તેમ આપણી સાથે જોડાતા જશે અને આ રીતે કારવાં બનતો જશે.