જામનગર: જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ત્રણ દિવસના ગાળામાં હૃદયરોગના હુમલાને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે વૃદ્ધ ભાઈઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
જાણકારી મુજબ, લતીપર ગામમાં પટેલ પરિવારના ત્રણ સભ્યોના હૃદયરોગના હુમલાને કારણે મોત થયા છે. આમાં શનિવારે ગંડુભાઈ નાથા રામાણી (85), અશ્વિન છગન રામાણી (45) અને સોમવારે અર્જન નાથા રામાણી (74)નો સમાવેશ થાય છે. આ ઘટનાથી પરિવારજનો અને ગામના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. એક સ્થાનિક નેતાએ આ ઘટનાની માહિતી આપી હતી. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના હૃદયરોગથી મોત થવાની ઘટનાએ ગામમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી, ખાસ કરીને યુવાનોમાં હૃદયરોગના જીવલેણ હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના વિસ્તારોમાં ઓછી ઉંમરે હૃદયરોગના હુમલાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તાજેતરમાં જામનગર શહેરમાં બે યુવતીઓનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું, જ્યારે ઓખામાં છેલ્લા એક પખવાડામાં માછીમારોના હૃદયરોગના હુમલાથી મોતની ઘટનાઓ નોંધાઈ હતી.