Gujarat: સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યટન-પ્રવાસનની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતા જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
ગીર અભયારણ્યમાં તેમ જ દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે આવનારા પ્રવાસીઓ સાસણ ગીર જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે.
એટલું જ નહીં, જૂનાગઢથી ગીર સોમનાથને જોડતો આ માર્ગ પ્રવાસીઓને બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને જવા માટેનો પણ મહત્વપૂર્ણ રસ્તો છે.
મુખ્યમંત્રીએ વર્ષ દરમ્યાન સિંહદર્શન માટે સાસણ ગીર આવતા વિશ્વભરના લાખો પ્રવાસીઓ ભગવાન સોમનાથના દર્શને પણ આ માર્ગેથી સરળતાપૂર્વક જઈ શકે તેવા પ્રવાસન-પર્યટન વિકાસ ધ્યેય સાથે 42 કિલોમીટરના આ માર્ગના મજબૂતીકરણના કામો માટે આ રૂપિયા 43.50 કરોડની ફાળવણી કરી છે.