Jitu Upadhyay AAP: વડોદરાની સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીઓએ અસુવિધાઓ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ સમક્ષ ફરિયાદ કરી હતી અને તે ફરિયાદને લઈને આજે આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલના પ્રદેશ અધ્યક્ષ Jitu Upadhyay, યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, એડવોકેટ શીતલ ઉપાધ્યાય સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ હોસ્ટેલમાં જઈ જનતા રેડ કરી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરાની નર્સિંગ સરકારી કોલેજના બાળકોની અમને ફરિયાદ મળી હતી. અહીંયા જે જમવાનું આપવામાં આવે છે તેમાં ઇયળો, કીડા મકોડા અને કાંકરા મળ્યા હતા. જો વિદ્યાર્થીઓ આ મુદ્દે ફરિયાદ કરે છે તો તેમને દંડ ફટકારવામાં આવે છે. અહીંયા પાણી જેવી સામાન્ય સુવિધાઓ પણ જોઈએ તે રીતે ઉપલબ્ધ નથી. અહીંયા નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ વિદ્યાર્થી જમે કે ન જમે તેણે 2400 રૂપિયા ચૂકવવા પડશે. SN ફંડના નામે દર મહિને 100 રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે. આ સિવાય આ કેમ્પસમાં કોઈપણ કાર્યક્રમ હોય તો તે કાર્યક્રમનું તમામ ખર્ચો વિદ્યાર્થીઓ પર નાખવામાં આવે છે. દાખલા તરીકે ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં ગણેશજીની મૂર્તિના ખર્ચા સહિત તમામ જે ખર્ચો હોય તે વિદ્યાર્થીઓએ ઉપાડવો પડે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જ્યારે આ મુદ્દે ફરિયાદ કરવામાં આવે છે તો તેમને ધાક ધમકી આપવામાં આવે છે આને કહેવામાં આવે છે કે “ તમને સસ્પેન્ડ કરી નાખીશું, તમારું વર્ષ બગાડી નાખીશું”. તંત્ર દ્વારા હાલ અમને અંદર જતા રોકવામાં આવે છે કારણ કે તેઓ પોતાની ચોરી છુપાવવા માંગે છે.
વિદ્યાર્થીનીઓએ અમને જે ફોટા બતાવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પણ સુવિધા હોવી જોઈએ તે ફક્ત નામ પૂરતી જ છે. ફાયર સેફ્ટીના સાધનો ફક્ત દેખાડા પૂરતા છે. ફાયર સેફ્ટી મશીન ચાલતા નથી તો પછી આ જગ્યાને ફાયર વિભાગ તરફથી એનઓસી કઈ રીતે મળે છે તે અમે નથી જાણતા. મેસની સુવિધા યોગ્ય હોવી જોઈએ, યુરીનલની સુવિધા યોગ્ય હોવી જોઈએ, આવી કોઈ પણ સુવિધાઓ અહીંયા યોગ્ય છે નહીં. માટે આજે અમે અહીંયા આવ્યા છીએ અને સત્યને ઉજાગર કર્યું છે. પરંતુ અહીંયા અમને રોકવામાં આવી રહ્યા છે. 450 વિદ્યાર્થીઓ તરફથી એમને ફરિયાદ મળી હતી. હાલ અમને જાણવા મળ્યું કે મેસની ફી ભરવામાં આવે છે તેની પણ રસીદ આપવામાં આવતી નથી તો પછી અમારો સવાલ છે કે આ બધા પૈસા જાય છે ક્યાં? અમને અંદર જતા આજે રોકવામાં આવી રહ્યા છે પરંતુ જનતાના ટેક્સના પૈસાથી આ જગ્યા ચાલી રહી છે તો પછી શા માટે અમને રોકવામાં આવે છે એ અમારો સવાલ છે. અહીંયા જે પણ અસુવિધાઓ છે તે તમામ અસુવિધાઓ મુદ્દે અમે જાહેર જનતા સમક્ષ પણ રજૂ કરીશું.