Isudan Gadhvi News; આજે જામ ખંભાળિયાના ઠાકર શેરડી ગામ ખાતે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviની ગુજરાત જોડો જનસભા યોજાઇ હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં બાળકો,યુવાનો, વૃદ્ધો, ખેડૂતોની જનમેદની ઉમટી પડી હતી. સભાની શરૂઆત કરતા ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આજે આપણે સૌ લોકો પરેશાન છીએ. ગામના રોડ રસ્તા ખરાબ છે. લુખ્ખાઓનો આતંક છે, સમસ્યાઓની ભરમાર છે એ સમસ્યાઓનું મૂળ કોઈ હોય તો એ કમળનું ફૂલ છે. આજે મને ફક્ત ખેડૂતોની જ નહીં પરંતુ એમના બાળકોની પણ ચિંતા છે મને એ પણ ચિંતા છે કે એમના છોકરાઓ વાંઢા ન રહી જાય. મારા દીકરાને ભણાવીને એક મોટો અધિકારી બનાવવું એ આશા સાથે એક ખેડૂત દિવસ રાત મહેનત કરતા હશે. અમારે રાજનીતિ નથી કરવી પરંતુ આ લોકોએ કામ ન કર્યા એટલા માટે અમે રાજનીતિમાં આવાનો નિર્ણય કર્યો. કોઈએ ડરવાની જરૂર નથી કોઇએ હિંમત હારવાની જરૂર નથી. કોઈપણ માણસ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય અને એ તમને ધમકી આપતો હોય તો અમે તેમને યાદ કરાવી દઈશું કે ખેડૂતો માટે અમે લોકો હજી બેઠા છીએ. જો કોઈ ખેડૂતની કોઈ લુખા તત્વો ધરાવતા હોય એમની ગૌચરની જમીન પડાવી લેતા હોય અને જો એ મારો ભાઈ હશે તો પણ એને સજા આપીશું, કોઈ મંત્રી પણ તમને ડરાવે ધમકાવે તો તમારે ખાલી મોબાઈલથી એક ફરિયાદ કરવાની રહેશે અને બીજા દિવસે સુરજ ઉગ્યા પહેલા એ મંત્રી જેલમાં હશે એવી વ્યવસ્થા અમે ઊભી કરીશું.
ગામડાઓમાં બે વર્ષની અંદર ઇંગ્લીશ મીડીયમની સ્કૂલ બનાવવી છે અને અહીંના બાળકો કડકડાટ ઇંગલિશ બોલતા હોય એ સપનું મેં જોયું છે એના માટે અમારે સરકાર બનાવવી છે. બાળક જ્યારે ગર્ભમાં હોય અને માતા તેને મોટો અધિકારી બનાવવાના સપના જોતી હોય અને એ માતા એક પણ આંસુ પાડ્યા વગર પોતાના દીકરાને અધિકારી બનાવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. હું 54 લાખ ખેડૂતોનો અવાજ બનીને નીકળ્યો છું.1.2 કરોડ મજૂરો, શ્રમિકોનો અવાજ બનીને નીકળ્યો છું. ખેડૂતોને બિયારણમાં બહુ જ સમજણ પડે છે. 30 વર્ષથી એક જ બિયારણ વાવ્યું છે હવે તો બદલો. હવે આ નવું આમ આદમી પાર્ટી(AAP) નામનું બિયારણ અજમાવીને તો જોવો, ના ગમે તો લાત મારીને કાઢી મૂકજો. અમે તમને રૂપિયા નહીં આપી શકીએ, અમે લાખોનો દારૂ નહીં પીવડાવી શકીએ, અમે તમારા દીકરાઓને દારૂ પીવડાવીને તમારું પતન કરી નાખીએ એવી રાજનીતિ નથી કરવી. અમે તો તમારા દીકરાઓ ક્યારેય ગરીબ ન રહે અને સમૃદ્ધ બને એ માટે રાજનીતિમાં આવ્યા છીએ. બધા ખેડૂતો લાખો કરોડો કમાય એવી વ્યવસ્થા ઊભી કર્યા પછી મારે રાજનીતિમાંથી પણ સંન્યાસ લઈ લેવો છે.
આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો અમે શું કરીશું એને હું તમને ઝલક દેખાડવા માંગુ છું. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કોઈપણ ખેડૂતોએ દાખલા માટે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. એક મિસકોલ મારશો કે મારે આ દાખલા જોઈએ છે તો દસ કલાકની અંદર તમારા ઘરે આવીને સરકારી કર્મચારી દાખલા આપી જશે. અત્યારે ખેડૂતના બે દીકરા હોય તો એક દીકરો દાખલાના આટા મારવામાં જ પડ્યો હોય છે. સવારે દાખલાની લાઈનમાં જાય પછી ખાતરની લાઈનમાં જાય, એપીએમસીની લાઈનમાં જાય અને બીજો દીકરો વીજળી જતી રહે એટલે મોટર ચાલુ બંધ કરવાના ધક્કા ખાતો હોય આ વ્યવસ્થા આપણે બદલવી છે. બીજું આપણે દિવસ રાત મહેતન કરી જે પાક ઉભો કર્યો હોય તેના ભાવ ન મળે તો શું કામનું? તો તમારા ઘરેથી માલ લઈ જવાની વ્યવસ્થા કરવાની છે ખેડૂતોને 24 કલાક વીજળી ફ્રી આપવાની છે, પૂરતી ઉપજ મળે તેવું કરવું છે. હું આ સભામાં ઉપસ્થિત રહેલા તમામ ગ્રામજનોને વિનંતી કરું છું કે, તમે પોતે પણ જાગૃત થાવ અને બીજા પાંચ લોકોને પણ જાગૃત કરો. અન્ય ગામમાં જાવ ત્યાં જઈને એ ગામના લોકોને પણ જાગૃત કરો અને તમે બધા અમારી સાથે જોડાવ. અમે સત્તામાં આવીએ કે ન આવીએ અમારી જીત થાય કે હાર થાય એ મહત્વનું નથી પરંતુ મહત્વનું એ છે કે દ્વારકા જિલ્લાના એક પણ ખેડૂત પોતાની જાતને એકલો ન સમજતા, અમે લોકો તમારી પાસે બેઠા છીએ.