Isudan Gadhvi News: રાજ્ય સરકારની નિષ્ફળતા, વિપક્ષ પર ખોટા કેસ, પુલ હોનારત અને પશુપાલકો પર કરવામાં આવેલ લાઠીચાર્જ અને પશુપાલકની મોત મુદ્દે રાજ્યપાલના હસ્તક્ષેપની વિનંતી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ પાસે મળવાનો સમય માંગ્યો હતો. AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ એક પત્ર દ્વારા સમયની માંગ કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતના લોકોમાં સરકાર પ્રત્યે ખૂબ જ રોષની લાગણી છે કારણ કે સરકાર અનેક સંવેદનશીલ બાબતોને લઈને નિષ્ફળ સાબિત થઈ છે. હાલમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ ઘટી જેમાં અનેક લોકોના મોત થયા જેના કારણે સ્પષ્ટ વાત સામે આવી કે તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના થઈ અને આવી અનેક અગાઉની દુર્ઘટનાઓમાં પણ તંત્રની બેદરકારી સામે આવી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી અને આવી દુર્ઘટનાઓ ફરીથી ન થાય તે માટે કોઈ તકેદારી પણ રાખવામાં આવતી નથી જેના કારણે લોકોમાં ખૂબ જ ગુસ્સો છે.
આ સિવાય હાલ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત બીજા અનેક આદિવાસી નેતાઓ પર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે અને તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને ઘણા નેતાઓની અને તંત્રને પોલ ખોલી હતી માટે તેમના પર ખોટા કેસ કરીને સમગ્ર વિપક્ષને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સિવાય હાલમાં જ ગંભીર મામલો સામે આવ્યો જેમાં સાબર ડેરી ખાતે પશુપાલકો પોતાના ભાવફેરની માંગણી કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમનો અવાજ સાંભળવાની જગ્યાએ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા જે ખૂબ જ શરમજનક બાબત છે. આ લાઠીચાર્જમાં એક પશુપાલકનો મોત નીપજ્યું હતું જે ખૂબ જ શોકજનક બાબત છે. તો આમ આદમી પાર્ટી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે મળીને રાજ્યપાલ સાથે આવા ગુજરાતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે અને આ તમામ મુદ્દા ઉપર રાજ્યપાલની હસ્તક્ષેપની માંગણી કરે છે કારણ કે ગુજરાત સરકાર પર હવે ગુજરાતના લોકોને ભરોસો રહ્યો નથી. તો આશા રાખીએ છીએ કે રાજ્યપાલ તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળને મળવા માટે સમય આપે.