Isudan Gadhvi AAP: રાજ્યમાં આમ આદમી પાર્ટીના વધતા વ્યાપથી ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે દિવસેને દિવસે વગર કારણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને ઉમેદવારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં વધુ એક ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીથી ભાજપ એટલી ડરી ગઈ છે કે વારંવાર નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ દોઢસોથી વધુ કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરવામાં આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પ્રકાશભાઈ દોંગાની પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે આમ આદમી પાર્ટીનો ગુનો શું છે? શું ગુજરાતની જનતાનો અવાજ બનવું ગુનો છે? શું ખેડૂતો, ગરીબો, વંચિતો અને શોષિતો માટે અવાજ ઉઠાવવો ગુનો છે? જો એ ગુનો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ.
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાતની જનતાને અપીલ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવાના પ્રયત્નો થશે, છતાં પણ આમ આદમી પાર્ટી ડરવાની નથી અને મજબૂતાઈથી લડત ચાલુ રાખશે. મહેરબાની કરીને જ્યારે તમે મતદાનના દિવસે બૂથમાં જાઓ ત્યારે ઝાડુનું બટન ભૂલતા નહીં, કારણ કે ઝાડુનું બટન ગુજરાતની સમૃદ્ધિ અને સુશાસન માટેની નિશાની છે અને જે લોકો લડી રહ્યા છે તેમને મજબૂત સમર્થન આપવાની નિશાની છે.





