CM Bhupendra Patel With Kevin Keli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં આયર્લેન્ડના રાજદૂત કેવિન કેલિએ ગાંધીનગરમાં લીધી હતી.ગુજરાતની તેમની આ પ્રથમ મુલાકાતમાં તેમણે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક સમાનતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત અને આયર્લેન્ડ બે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે અને સાંસ્કૃતિક વિરાસતને મહત્વ આપે છે.

ડબલીનમાં ભારતીય દૂતાવાસે બે વર્ષ પહેલાં યોજેલી સ્ટેટ કલ્ચરલ ઇવેન્ટ સિરીઝમાં ગુજરાત પર ફોકસ કરવામાં આવ્યું હતું તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે પરસ્પર હિતના ક્ષેત્રો તરીકે એરક્રાફ્ટ લિઝિંગ, સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને એજ્યુકેશનમાં સહયોગ અંગે આ બેઠકમાં ચર્ચા-પરામર્શ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આયર્લેન્ડ ડેલિગેશનને સહભાગી થવાનું આમંત્રણ પણ મુખ્યમંત્રીએ પાઠવ્યું તેનો આયર્લેન્ડ રાજદૂતે સહર્ષ સ્વીકાર કર્યો હતો.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ પણ ઉપસ્થિત રહ્યા હતા.