Hemant Khawa AAP News: આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય Hemant Khawaએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે કરવામાં આવેલા ડિજિટલ ક્રોપ સર્વેમાં મગફળીનો પાક જોવા મળ્યો ન હોય તેવા કિસ્સામાં ફરીથી અરજી પ્રક્રિયા ન કરાવવા તેમજ આવા કિસ્સામાં ગ્રામ સેવક દ્વારા વગર અરજીએ સર્વે કરાવવા બાબતે પત્ર લખ્યો છે. ધારાસભ્ય હેમંત ખવાએ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ખરીફ 2025-26માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા લાખો ખેડૂતો એ નોંધણી કરાવી છે. આ નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઇમેજ આધારિત વેરિફિકેશન કરવામાં આવ્યું. જેમાં જમીન માપણીમાં થયેલી પ્રમોલગેશનની ભૂલોના લીધે હજારો ખેડૂતોના પાક વેરીફાય થયા નથી અને તે તમામ ખેડૂતોએ ફરીથી ઓફલાઈન અરજી કરવા અથવા તો પ્લે સ્ટોરમાંથી “ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત” નામની એપ મારફતે અરજી કરી શકશે તેવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા તા.16/09/2025 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.
જામજોધપુરના AAP ધારાસભ્ય Hemant Khawaએ વધુમાં લખ્યું છે કે, બહુ દુઃખ સાથે લખવું પડે છે કે ખેતીપ્રધાન ભારત દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોને ભોગવવી પડી રહી છે. સૌ પ્રથમ તો ઉપરોક્ત સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવતી વખતે પણ પોર્ટલમાં સર્વર એરરના કારણે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે અને હવે ડિજિટલ ક્રોપ સર્વે બાદ પણ ફરી અરજી માટે મથામણ કરવી પડી રહી છે. જામનગર જિલ્લામાં કુલ 6535 અરજીઓ તથા સમગ્ર ગુજરાતમાં 80176 અરજીઓમાં પાક વેરીફાય થયા નથી. આ બધા ખેડૂતોનો ડેટા તો રજીસ્ટ્રેશન થયેલા પોર્ટલ પર ઉપલબ્ધ છે જ અને આ બધા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે, તો તેમના મોબાઈલ નંબર પણ વિભાગ પાસે ઉપલબ્ધ છે. તો શા માટે ફરીથી અરજી કરાવવાના નામે ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવે છે? જે-તે ગામના ગ્રામ સેવક પણ આવા કિસ્સાઓમાં સ્થળ તપાસ કરી નોંધણી થયેલા પાકને માન્ય કરી શકે છે. તેમાં ફરીથી અરજી કરવાની કોઈ જ જરૂરિયાત જણાતી નથી. આથી ઉપરોક્ત બાબતે જે ખેડૂતોના પાક વેરીફાય થયા નથી તેવા ખેડૂતોના કિસ્સાઓમાં ફરીથી અરજી કરાવ્યા વગર સર્વે નંબર અને પાકની સ્થળ તપાસ ગ્રામ સેવક દ્વારા કરી માન્ય ગણવા માટે આપની કક્ષાએથી યોગ્ય ઘટતું કરવા મારી આપને ખાસ ભલામણ સહ વિનંતી છે