Spain: ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને વિકાસ પોષક ઔદ્યોગિક નીતિના કારણે ગુજરાત રાજ્ય વિશ્વભરમાં ઇકોનોમીક હબ બન્યુ છે. જે અંતર્ગત વડોદરા ખાતે ભારતની ટાટા અને સ્પેનની એરબસ કંપનીના એકીકરણ થી સ્થાપિત અને ભારતનાં સંરક્ષણ ક્ષેત્રના સૌથી પહેલા મેક ઈન ઇન્ડિયા એર ક્રાફટ C295 ના ટાટા એડવાન્સ સોલ્યુશન કંપની લિમીટેડના યુનીટના ઉદ્ઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતમાં વડોદરા ખાતે આવી રહ્યા છે એ પ્રત્યેક ભારતીય માટે અત્યંત ગર્વની પળ છે.

 ભારત અને સ્પેનના એકબીજાના આદર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થકી સોહાર્દપૂર્ણ સબંધોનો ઇતિહાસ બહુ લાંબો છે. વર્ષ ૧૯૫૬ માં બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સબંધો સ્થાપિત થવા થી લઈને આજે વર્ષ ૨૦૨૪ માં ભારતનાં સંરક્ષણ ક્ષેત્રના સૌથી પહેલા મેક ઈન ઇન્ડિયા એર ક્રાફટ C295 ના ટાટા એરબસ યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝની ગુજરાત ખાતેની મુલાકાત ભારત – સ્પેનના દ્વીપક્ષીય સબંધો વધુ ને વધુ મજબૂત થઈ રહ્યા હોવાનુ સુચવે છે.

આમ તો ભારત-સ્પેન ના સંબંધની શરૂઆત વર્ષ ૧૯૫૬ માં રાજદ્વારી સબંધો સ્થાપવા થી જ થઇ ગઇ હતી. ત્યારથી જ ભારત અને સ્પેન વચ્ચેના સબંધો સુમેળ ભર્યા રહ્યા છે. ત્યારબાદ ૧૯૬૫ માં ભારતના પ્રથમ નિવાસી રાજદુતની નિમણુંક કરવામાં આવી હતી.  જ્યારે વર્ષ ૨૦૦૯ માં ભારતના તત્કાલીન વડાપ્રધાને સૌપ્રથમ વાર સ્પેનની મુલાકાત લીધી હતી. 

ભારત સ્પેનના દ્વીપક્ષીય સબંધોમાં આર્થિક અને વ્યાપારિક સબંધો ખુબજ નિર્ણાયક રહ્યા છે. વર્ષ ૨૦૨૩ માં સ્પેન ભારતમાં ૮.૨૫ બિલિયન અમેરિકન ડોલરના સંચિત ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ સ્ટોક સાથે વિશ્વભરમાં ૧૫મો સૌથી મોટો રોકાણકાર દેશ બન્યો છે. ભારત – સ્પેનના વ્યાપરીક સબંધોની વાત કરીએ તો ભારતે અત્યાર સુધી કુલ રૂ.૨૪૬૭૪.૯૩ બીલિયનની આયાત કરી છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૨૦૩.૩૩ બિલીયન આયાત કરી હતી. જે દેશની કુલ આયતના ૦.૩૬ ટકા છે. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૮૦.૦૦ બિલીયન આયાત કરી હતી જે દેશની કુલ આયાતના ૦.૩૨૪૨ ટકા છે. બીજી તરફ નિકાસની વાત કરીએ તો ભારતે અત્યાર સુધી કુલ રૂ. ૧૪૯૧૩.૬૧૨૦ બીલિયનની નિકાસ કરી છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૩૯૬.૭૫૧૭ બિલીયન, જે દેશની કુલ નિકાસના ૧.૦૯ ટકા છે. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૧૬૧.૫૭૨૯ બિલીયન આયાત કરી હતી. જે દેશની કુલ આયાતના ૧.૦૮૩૪ ટકા છે.

સ્પેનમાં ભારતની ટોચની નિકાસ ખનિજ ઇંધણ, ખનિજ તેલ અને તેમના નિસ્યંદનના ઉત્પાદનો, રાસાયણિક ઉત્પાદનો, આયર્ન અને સ્ટીલ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો અને તેના ભાગો, વસ્ત્રો અને ટેકસટાઇલ મશીનરી, પરમાણુ રિએક્ટર, બોઇલર્સ, મશીનરી અને યાંત્રિક ઉપકરણો, દરિયાઈ ઉત્પાદનો તથા લોખંડ અને સ્ટીલની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સાથે ભારતમાં ૨૮૦ થી વધુ સ્પેનિશ કંપનીઓ મુખ્યત્વે મેટલર્જિકલ ઉદ્યોગો, નવીનીકરણીય ઉર્જા, ઓટોમોટિવ, સિરામિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે હાઈવે, ટ્રાન્સમિશન લાઈનો, ટનલ અને મેટ્રો સ્ટેશનના ક્ષેત્રોમાં છે. જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક ભારતમાં સ્પેનિશ રોકાણ માટેના મુખ્ય પસંદગીના સ્થળો બન્યા છે. બીજી તરફ સ્પેને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, ઑટો કોમ્પોનન્ટ્સ, વોટર ડીસેલીનેશન અને સિંગલ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે પણ મોટાપાયે રોકાણ કર્યું છે. 

સ્પેનમાં કાર્યરત ભારતીય કંપનીઓ મુખ્યત્વે મેડ્રિડ અને બાર્સેલોનામાં આયર્ન અને સ્ટીલ, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી અને આઈટી જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. આર્સેલર મિત્તલ, વિપ્રો અને સન ફાર્માસ્યુટિકલ્સ જેવી ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપીને નોંધપાત્ર હાજરી ધરાવે છે. ભારતીય આઇટી કંપનીઓની સ્પેનિશ પેટાકંપનીઓ નોંધપાત્ર સ્થાનિક કર્મચારીઓને રોજગારી આપે છે, અને ફાર્માસ્યુટિકલ સેક્ટરે ભારતીય કંપનીઓએ યુરોપમાં તેમના પદચિહ્નનને વિસ્તારવા માટે સ્પેનિશ કંપનીઓને હસ્તગત કરી છે. સમગ્ર યુરોપ અને લેટિન અમેરિકામાં કામગીરીનું સંચાલન કરવા માટે સ્પેન ભારતીય કંપનીઓ માટે વ્યૂહાત્મક હબ તરીકે સેવા આપે છે.

ભારતમાં કાર્યરત સ્પેનિશ કંપનીઓ મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને સિવિલ એન્જિનિયરિંગ, સહાયક ઉદ્યોગ, ઔદ્યોગિક ઘટકો અને ઔદ્યોગિક એન્જિનિયરિંગ, મશીનરી અને સાધનો, રિન્યુએબલ એનર્જી, પાણી અને પર્યાવરણીય ટકાઉપણું, ઈલેક્ટ્રોનિક, માહિતી અને સંદેશાવ્યવહાર ટેક્નોલૉજી, ઓટોમોન, ફાઈનાન્સિયલ ટેક્નોલોજીઓ સેવાઓ, કાનૂની સલાહ અને વ્યૂહરચના અને ઓપરેશન્સ કન્સલ્ટન્સી, ફૂડ એન્ડ ડ્રિંક્સ, કેમિકલ, માઇનિંગ, ધાતુશાસ્ત્ર અને સ્ટીલ, લોજિસ્ટિક્સ, બાયોટેકનોલોજી અને ફાર્મા, હોલસેલ/રિટેલ ડિસ્ટ્રિબ્યુશન, ફેશન, ટેક્સટાઇલ, ફૂટવેર અને અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે.

ભારત અને સ્પેને વેપાર અને સાંસ્કૃતિક સહયોગથી લઈને નાગરિક ઉડ્ડયન અને સંરક્ષણ સુધીના ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લેતા ૨૬ દ્વિપક્ષીય કરારો સ્થાપિત કર્યા છે. જેમાં મુખ્યત્વે વેપાર અને આર્થિક સહકાર પર કરાર (૧૯૭૨), નાગરિક ઉડ્ડયન કરાર (૧૯૮૬), ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (૧૯૯૩), દ્વિપક્ષીય રોકાણ સંરક્ષણ અને પ્રોત્સાહન કરાર (૧૯૯૭), પ્રત્યાર્પણ સંધિ (૨૦૦૨), ગુનાહિત બાબતો પર મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (૨૦૦૬), કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર સમજૂતીનું મેમોરેન્ડમ (૨૦૦૯) અને સંરક્ષણ સહકાર પર એમઓયુ (૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ સાથે બેવડા કરવેરાને ટાળવા અને આવક અને મૂડી પરના કરને લગતી નાણાકીય ચોરી અટકાવવા માટે ભારત અને સ્પેન વચ્ચેના સંમેલન અને પ્રોટોકોલમાં સુધારો કરવા માટેનો પ્રોટોકોલ મૂળ ફેબ્રુઆરી ૧૯૯૩માં નવી દિલ્હી (૨૦૧૨)માં સહી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય ઘણા કરારો વાટાઘાટો હેઠળ છે, જે બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય જોડાણને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

ભારત-સ્પેન વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૧૯૭૨ માં સંયુક્ત કમિશન ઓન ઈકોનોમિક કોઓપરેશન (JCEC) ની સ્થાપના કરવામાં આવી હતી. અત્યાર સુધી આ કમિશનની બેઠક ૧૨ વખત મળી છે જેનો ૧૨મો રાઉન્ડ એપ્રિલ ૨૦૨૩માં નવી દિલ્હી ખાતે યોજાયો હતો. જેસીઈસીના માળખા હેઠળ, ફેબ્રુઆરી ૨૦૧૫માં ઈન્ડિયા સ્પેન સીઈઓ ફોરમની રચના કરવામાં આવી હતી. સીઈઓ ફોરમની પ્રથમ ઔપચારિક બેઠક મે ૨૦૧૭માં મેડ્રિડમાં યોજાઈ હતી. ગ્લોબલ ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી એલાયન્સ (GITA) અને સ્પેનિશ સેન્ટર ફોર ડેવલપમેન્ટ સાથે ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (CDTI) એ ઈન્ડિયા – સ્પેન પ્રોગ્રામ ઓફ કોઓપરેશન ઓન ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સ્થાપના કરી, જે ભારતીય અને સ્પેનિશ ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહયોગી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાહસોને નાણાકીય સહાય પૂરી પાડવા માટેનું દ્વિપક્ષીય માળખું તૈયાર કરવામાં મદદરુપ થાય છે.

આટલું જ નહી, ભારતે સ્પેનમાં FITUR (પર્યટન), મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (ટેલિકોમ), CPhI વર્લ્ડવાઈડ (ફાર્માસ્યુટિકલ્સ), સ્માર્ટ સિટી એક્સ્પો વર્લ્ડ કોંગ્રેસ (સ્માર્ટ સિટીઝ), ઈન્ટરગિફ્ટ (ડેકોરેશન એન્ડ ગિફ્ટ), સીફૂડ એક્સ્પો ગ્લોબલ, FIMA એગ્રીકોલા (કૃષિ મશીનરી), હિસ્પેક (પેકેજિંગ) , એલિમેન્ટેરિયા (ફૂડ, બેવરેજ અને ગેસ્ટ્રોનોમી) અને સેવિમાસા (સિરામિક ટાઇલ્સ) જેવા મોટા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓ અને પરિષદોમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો અને ભારતના પેવેલિયન સાથે નિયમિતપણે ભાગ લીધો છે.

ભારત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, વ્યૂહાત્મક સહયોગ અને સમાવિષ્ટ બહુપક્ષીય ભાગીદારીમાં વિકસ્યા છે. G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર સત્તાવાર મુલાકાતો અને બેઠકો સહિત નિયમિત ઉચ્ચ-સ્તરની ક્રિયાપ્રતિક્રિયાઓ આ સંબંધના વધતા મહત્વને દર્શાવે છે. વર્ષ ૨૦૧૭ માં, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્પેનની મુલાકાત એક મુખ્ય સીમાચિહ્નરૂપ હતું, અને વર્ષ ૨૦૨૩ માં, સ્પેનના ઉપરાષ્ટ્રપતિએ ભારત દ્વારા આયોજિત G20 સમિટમાં હાજરી આપી હતી, જે બંને રાષ્ટ્રો વચ્ચેની અવિરત મિત્રતા દર્શાવે છે.

મુખ્ય યુરોપિયન ભાગીદાર સ્પેન ભારત સાથે સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને અન્ય વૈશ્વિક પહેલ પર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ થકી રાજદ્વારી અને આર્થિક ભાગીદારીના અવકાશને વધુ ગાઢ બનાવે છે. ભારત દ્વારા સ્પેન પાસેથી તાજેતરમાં C295 કાર્ગો વિમાનોની ખરીદી સાથે સંરક્ષણ સહયોગને વેગ મળ્યો છે અને બંને દેશો દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ તકનીકોમાં સહયોગને વિસ્તારવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. નિયમિત ઉચ્ચ સ્તરીય બેઠકો, જેમ કે ભારત-સ્પેન ફોરેન ઓફિસ કન્સલ્ટેશન, આ સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

શરૂઆત થી જ બંને દેશોએ સહકાર અને વ્યાપારિક સબંધો સાથે  એકબીજાની સંસ્કૃતિ અને જીવન શૈલીને સન્માનપુર્વક સ્વીકારી છે. ભારતમાં સ્પેનિશ કળા, સાહિત્યો અને ફિલ્મો ખુબજ વ્યાપક રીતે પ્રચલિત થઈ રહ્યા છે જ્યારે ભારતીય ખોરાક, સંગીત, અને નૃત્ય સ્પેનમાં ખુબજ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આ સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા બન્ને દેશો વચ્ચે આર્થિક સહયોગનો પાયો ખુબજ મજબૂત બન્યો છે. વર્ષ ૨૦૧૫ માં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્પેનના આઇકોનિક પ્લાઝા ડી કોલોનમાં એક મેગા માસ્ટર ક્લાસમાં ૧૨૦૦ થી વધુ યોગ ઉત્સાહીઓની સહભાગિતા જોવા મળી અને ત્યારબાદ યોગ પર એક પરિષદ યોજવામાં આવી હતી તે એકબીજા ની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ અને સ્વીકૃતી સુચવે છે.

 આ સિવાય પણ ભૌગોલિક રાજનિતીની હોય કે પછી વૈશ્વિક સમસ્યાઓની વાત હોય, બન્ને દેશોએ એકબીજા ને સહકાર આપ્યો છે. ભારત અને સ્પેને પરસ્પર હિતના આતંકવાદ, ભૂમધ્ય અને હિંદ મહાસાગરમાં નેવિગેશનની સુરક્ષા અને ગેરકાયદેસર સ્થળાંતર જેવા ભૂમધ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી બંને રાષ્ટ્રોએ ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષોને રેખાંકિત કરીને ભારપૂર્વક જણાવ્યું હતુ કે આતંકવાદ પ્રત્યે “ઝીરો ટોલરન્સ” હોવું જોઈએ.

 આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં સ્પેન અને ભારતના મૈત્રીપુર્ણ સબંધો વિશ્વના અન્ય દેશો માટે વેપાર, સહકાર અને ભૌગોલીક રાજનિતી ક્ષેત્રે ઉદાહરણરૂપ સાબીત થશે. ગુજરાતમાં વડોદરા ખાતેની મુલાકાત બન્ને દેશો વચ્ચે મૈત્રીભાવ જાળવવા, વિશ્વાસ અને સહકારના સંબંધોમાં વધારો થાય અને બંને દેશોએ રાજકીય, વ્યાપારી અને સાંસ્કૃતિક પાસાઓ પર કેન્દ્રિત વધુ મહત્વાકાંક્ષી અને કલ્પનાશીલ વ્યૂહરચના માટે ખુબજ મહત્વની રહેશે