CM: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સમિતિની રચના અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) સુધારા નિયમો 2018 અન્વયે કરવામાં આવેલી છે.
અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખાસ કરીને માનવ ગરિમા યોજના, આદિ જાતિઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા શહેરોમાં અભ્યાસ સાથે આવાસ સુવિધાની સમરસ હોસ્ટેલ વગેરેમાં રાજ્ય સરકારની સંતોષપૂર્ણ કામગીરીની આ સમિતીના સભ્યોએ સરાહના કરી હતી.
આ બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા મુખ્ય સચિવ રાજકુમાર પણ જોડાયા હતા.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓની અનામત બેઠકો પરના ચૂંટાયેલા ધારાસભ્યોશ્રીઓ, સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રભુભાઈ વસાવા, વિનોદભાઈ ચાવડા, દિનેશ મકવાણા વગેરે પણ આ બેઠકમાં સહભાગી થયા હતા.