CM Bhupendra Patel News: સમગ્ર ગુજરાતમાં વિક્રમ સંવત ૨૦૮૨ ના નવીન વર્ષની ઉમંગભરી ઉજવણી પછી ના દિવસોમાં મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર સમાજ આયોજિત શતચંડી મહાયજ્ઞના પાવન અવસરે CM Bhupendra Patel સહભાગી થયા હતા.

તેમણે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે ‘વિકાસ કરવો છે, પરંતુ વિરાસત જાળવી રાખીને’ અને તેમનો આ મંત્ર જ વિકસિત ભારતનો સાચો માર્ગ છે. મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞોના મહત્વ પર ભાર મુકતા કહ્યું કે, ધર્મ સાથેનું વિજ્ઞાન હશે તો જ આપણે નિર્ધારિત મુકામ પર પહોંચી શકીશું.
તેમણે ગોઝારિયા ગામની વિશેષતાને બિરદાવતા કહ્યું કે આ ગામમાં પોતાના કામ વિના વિઘ્ને પૂરા કરવાની ક્ષમતા તો છે જ, પણ સાથે બીજાના કામ પણ પૂરા કરવાની તાકાત રહેલી છે.

CM Bhupendra Patel રામ મંદિરના નિર્માણ પછી દેશમાં પ્રસરેલી નવી ઊર્જા ના સંદર્ભમાં રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વિકસિત ભારતનું લક્ષ્ય વિકસિત ગુજરાત થકી જ શક્ય બનશે. વિકસિત ગુજરાત માટે ગામે-ગામ વિકસિત બને અને છેવાડાનો દરેક માણસ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તે માટેના સરકારના ફળદાયી પ્રયાસોની મુખ્યમંત્રીશ્રીએ છણાવટ કરી હતી.
રાજ્યના આર્થિક વિકાસની ગતિને વધુ વેગ આપવા ગુજરાત સરકારે શરૂ કરેલી પહેલો ની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારે ઝોન-વાઇઝ વાઇબ્રન્ટ કોન્ફરન્સની શરૂઆત કરી છે, તેની પ્રથમ કોન્ફરન્સ તાજેતરમાં જ ઉત્તર ગુજરાતમાં યોજાઈ હતી.
આ કોન્ફરન્સના પરિણામે ત્રણ લાખ કરોડથી વધુનું રોકાણ થયું અને 1200થી વધુ એમઓયુ થયા છે તેનો મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે નવા વર્ષમાં ગોઝારિયા ગામને નવા સંકલ્પો કરવા અને તે તમામ સંકલ્પો પરિપૂર્ણ થાય તેવી ઉમિયા માતાને પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના કોઈ પણ ખૂણે હોઈએ, આપણી ધાર્મિક પ્રવૃત્તિ જળવાઈ રહેવી જોઈએ, જેના કારણે નવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય. તેમણે વિકાસની વ્યાખ્યાને વિસ્તારતા કહ્યું કે તેમાં માત્ર રોડ-રસ્તા જ નહીં, પણ ધાર્મિકતા અને સંસ્કારનો પણ સમાવેશ થાય છે.
રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં આવનારી પેઢી સનાતન ધર્મ તરફ વળે તે માટે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગામના વિકાસમાં સાંસદ તરીકે હંમેશા હાજર રહેવાની અને ગોઝારિયા ગામ વિકાસમાં ક્યાંય પાછું ન પડે તે માટે સંકલ્પબદ્ધ થવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે ઉમિયા માતાના દર્શન કર્યા હતા અને મહાયજ્ઞ માટે દાનની સરવાણી વહાવનાર દાતાશ્રીઓને સન્માનિત પણ કર્યા હતા.
શતચંડી મહાયજ્ઞના આ ધાર્મિક અને ભવ્ય કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ, મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





