Dharmesh Bhanderi AAP: સુરતના પાલ ગૌરવ પથ રોડ પર આવેલ કોરલ પેલેસ બિલ્ડિંગ ગઈકાલે DGVCL કર્મચારીઓએ ઘૂસીને મીટર બોક્સના તાળા તોડી જબરદસ્તી સ્માર્ટ મીટર લગાડવાની કાર્યવાહી કરેલ હતી. જેને અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ સ્થળ મુલાકાત કરી, ત્યાંના સ્થાનિક આગેવાનોને મળી પરિસ્થિતિ જાણી, યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી અને આમ આદમી પાર્ટી દ્વારા હર સંભવ મદદની બાંહેધરી આપી હતી. સ્થળ પર જે કર્મચારીએ દાદાગીરીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવાની ચેષ્ટા કરેલી તેની સાથે ટેલીફોનીક વાત કરવામાં આવી ત્યારે પણ એ કર્મચારી નામે રાજન મોદી દ્વારા ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો. રાજન મોદીને સ્થળ પર બોલાવી રહીશોની સમસ્યાના સમાધાન માટે બોલાવવામાં આવતા રાજન મોદીએ ઉદ્ધત અને ઉડાઉ જવાબ આપ્યો હતો અને DGVCL કચેરી પર આવીને વાત કરવા જણાવ્યું હતું.

આ વાતચીત દરમિયાન AAP નેતા Dharmesh Bhanderiએ અધિકારીને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, તમે એક અધિકારી છો અને તમે જનતાની સેવા કરવા માટે બંધાયેલા છો, રાજનીતિ કરવા માટે નહીં. અમે જનતાની સેવા કરવા માટે રાજનીતિમાં છીએ અને હાલ જે પણ કરી રહ્યા છીએ એ સીટો લાવવા માટે નથી કરી રહ્યા કારણ કે સીટો લાવવા માટે અમારી પાસે ઘણાં કામો છે, અને જો એક અધિકારી તરીકે રહીને તમે રાજનીતિ કરવા માંગતા હોય તો હકીકતમાં તમે કોઈ પાર્ટીનો ખેસ પહેરીને રાજનીતિ કરવામાં આવી જાઓ.

અધિકારી સાથે વાતચીતમાં આગળ AAP નેતા Dharmesh Bhanderiએ જણાવ્યું હતું કે, સિસ્ટમનો લાભ લઈને જો કોઈપણ વ્યક્તિ જનતાને દબાવવાના પ્રયાસ કરશે તો અમે તેની વિરુદ્ધ લડીશું. આ સોસાયટીના ફ્લેટના લોકો માટે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ, અમારા માટે જરૂરી નથી કે અમે આ સોસાયટીના રહેવાસી હોવા જોઈએ. ક્યાંય ખોટું થતું હશે તો અમે કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકો માટે અવાજ ઉઠાવીશું. ત્યારબાદ AAP નેતા ધર્મેશ ભંડેરીએ અધિકારીને સવાલ કરતા પૂછ્યું હતું કે “શું સરકારે એવું કોઈ સર્ક્યુલર જાહેર કર્યું છે કે ફરજિયાત પણે સ્માર્ટ મીટર ઘરે ઘરે લગાવવા જ પડશે..? તમે એક અધિકારી થઈને કોઈને પ્રોપર્ટીમાં તાળા તોડીને કઈ રીતે સ્માર્ટ મીટર લગાવી શકો?” ત્યારબાદ એ અધિકારીએ ફોન કાપી નાખ્યો હતો. જેથી આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, કોર્પોરેટર દિપ્તીબેન સાકરિયા, મહામંત્રી તુલસી લાલૈયા, પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા સહિત આગેવાનો DGVCL કચેરી ખાતે રજૂઆત સંદર્ભે અને મળવા ગયા હતા. પણ ત્યાં પણ કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહોતા. આમ આદમી પાર્ટીની માંગ છે કે વગર પરવાનગીએ સ્માર્ટ મીટર લગાડવાની કુચેષ્ટા કરનાર અધિકારીને મળવું છે અને કયા નિયમો કે ઓર્ડર ને આધીન થઈ લોકો હેરાન થાય એ મુજબ કાર્યવાહી કરી તે જણાવે. જો કે વિદ્યુત કચેરી પર પણ કોઈ જવાબદાર અધિકારીઓ મળ્યા નહોતા અને જે અધિકારી હાજર હતા એ આમ આદમી પાર્ટીના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. સ્માર્ટ મીટરથી લોકોને તકલીફ પડતા હવે ઉગ્ર કાર્યક્રમની આગળની રણનીતિ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં નક્કી કરશે.