અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ્દ કરવામાં આવી છે. જેના વિરોધમાં આજે બિરસા મુંડા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 2010થી જે પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, તે યોજનાને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને બંધ કરી છે. સરકારના આ નિર્ણયથી 60000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે. હવે આ 60000 વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી જશે.

આ વિદ્યાર્થીઓને અનેક કોલેજોએ જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપ્યા હતા તેમણે પણ ડોક્યુમેન્ટ પરત આપીને એડમિશન રદ્દ કરી નાખ્યા છે. 3410 કરોડનું આદિજાતિનું બજેટ છે અને સરકાર અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી રહી છે તો આનાથી ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા દેખાય છે. અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ્દ કરે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરવામાં આવે છે. જો પાંચ દિવસમાં સરકાર આમ નથી કરતી તો પાંચ દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોની તાળાબંધી કરી દઈશું. અને દસ દિવસ બાદ ફરીથી અમે બિરસા મુંડા ભવન ખાતે આવીને આ ઓફિસના પણ તાળાબંધી કરીશું.

આ દરમિયાન વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના મુદ્દા પર અમે તમામ આદિવાસી કચેરીઓમાં જઈશુ અને મોટી સંખ્યામાં આદિવાસી બાળકો સાથે ધરણા પ્રદર્શન કરીશું. કારણ કે સરકારે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃતિની યોજનાને મૂરખ બનાવો યોજના બનાવી દીધી છે. આ શિષ્યવૃત્તિ હેઠળ પહેલા બાળકોને જે મળવા પાત્ર મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ હતી તે સરકારે બંધ કરી દીધી અને તેના કારણે 60000 વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. સરકાર 500થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃતિમાંથી કાઢીને પોતાના તાયફાઓમાં વાપરી રહી છે. માટે સરકારની આવી નીતિને જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં અને આનો જવાબ અમે આવનાર દિવસોમાં આપીશું. હવે હાલ સરકારને પાંચ દિવસનો સમય આપવા માટે આવ્યા છીએ અને અમે કહી રહ્યા છીએ કે સરકાર આ મુદ્દા પર કમિટી બનાવે અને આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવે જો સરકાર આમ નથી કરતી તો તમામ આદિજાતિ કચેરીઓની અમે તાળાબંધી કરી દઈશું.