આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, દ્વારકા જિલ્લાના ભાણવડમાં ટીસીસી કંપની સાથે મળીને ભાજપના નેતાઓ અને તંત્રએ ખેડૂતો અને માલધારી સમાજના લોકો પર જે અત્યાચાર કર્યો છે તેને સહન કરવામાં નહીં આવે. ભલે હું ખંભાળિયા વિધાનસભામાં ચૂંટાયો નહીં પરંતુ આજે પણ હું ખંભાળિયાના લોકો માટે હંમેશા ઊભો છું. શું તંત્ર એમ સમજે છે કે તેઓ કંપનીઓ સાથે મળીને માલધારી લોકોને ડરાવી દેશે? જે માલધારી સમાજ આજ સુધી તમને મત આપતો હતો હવે તમે તેમની જમીનો ઝૂંટવી લેવા માટે બેઠા છો. ભાજપના લોકોને ટીસીસી કંપની મલાઈ આપતી હશે તો શું તેના કારણે તેઓ લેન્ડ ગ્રેબીંગ કરશે?
દ્વારકા જિલ્લાને વારંવાર લૂંટવામાં આવ્યો છે, પોર્ટ, જમીન, ખનીજ એમ અનેક જગ્યાએ દ્વારકા જિલ્લા પર લૂંટ ચલાવવામાં આવી છે. આને જરા પણ સહન કરવામાં આવશે નહિ. સમગ્ર દ્વારકા જિલ્લા સાથે અને માલધારી સમાજના લોકો સાથે અમે ઊભા છીએ, અમે એક કાંકરી પણ ખસવા નહીં દઈએ. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા આવતીકાલે માલધારી સમાજ પર કરવામાં આવેલા અત્યાચાર વિરૂદ્ધ આવેદનપત્ર આપશે અને કાર્યક્રમ કરશે. જો તંત્રએ TCC કંપની વિરુદ્ધ પગલાં ન લીધા તો આગામી સમયમાં મહાસંમેલન કરવામાં આવશે. અને જો તંત્રએ માલધારી સમાજ અને ખેડૂતોને પરેશાન કર્યા તો આવનારા સમયમાં તંત્રના તમામ ભ્રષ્ટાચારો ખોલવામાં આવશે અને હું ઉપવાસ પર ઉતરીશ.