Isudan Gadhvi Statement: 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ‘ગુજરાત જોડો મહાસભા’ ની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર 6 દિવસના અંદર આમ આદમી પાર્ટીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 150થી વધુ જનસભાઓ યોજી છે અને આ સભાઓમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સમગ્ર ગુજરાતમાં એક નવી રાજકીય લહેરનું સ્વાગત કર્યું છે. ગુજરાત જોડો અભિયાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ જેવી જુદી જુદી પાર્ટીઓમાંથી પણ અનેક ઈમાનદાર નેતાઓ સાથે સાથે સામાજિક અને ખેડૂત આગેવાનો, તેમજ દરેક જાતિ, ધર્મ અને વર્ગના લોકો હવે આમ આદમી પાર્ટીની વિચારધારાને અપનાવીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે — જે આગામી રાજકીય પરિવર્તનનો સંકેત છે. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ આગામી બે મહિનામાં સમગ્ર રાજ્યમાં વિશાળ સ્તરે 2000 સભાઓનું આયોજન કર્યું છે, જેમાં પ્રદેશ અને સ્થાનિક નેતાઓ તેમજ વોર્ડ પ્રમુખો જોડાશે. ગતરોજ 6 ઓગષ્ટે ગુજરાતના અનેક જિલ્લાના અનેક વિસ્તારોમાં જનસભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, મહામંત્રીઓ સાગર રબારી અને રાકેશ હીરપરા, કિસાન સેલના પ્રમુખ રાજુ કરપડા, ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, મહિલા પ્રમુખ રેશ્મા પટેલ અને પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા સહિત પ્રદેશના લગભગ તમામ મુખ્ય નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 30 વર્ષથી ભાજપ સરકાર શાસનમાં છે મતલબ લગભગ 40 વર્ષથી નીચેના કોઈ યુવાનોએ ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીનું રાજ જોયું નથી. 30 વર્ષથી ભાજપ શાસનમાં છે તેમ છતાં પણ સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ લોકો પીડામાં છે. ભાજપના નેતાઓ ફક્ત બધું ભેગું કરવામાં માને છે. ભાજપના નેતાઓ આખે આખા ગામને લૂંટીને એકલા કમાય છે. ભાજપના લોકોએ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે આજે રોડ પર નીકળીએ તો ખબર નથી પડતી કે રોડમાં ખાડા પડ્યા છે કે ખાડામાં રોડ છે. આજે ભાજપ ખેડૂતોને પુરતું બિયારણ આપતી નથી અને જો બિયારણ આપે તો નકલી બિયારણ પધરાવવામાં આવે છે. આ નકલી બિયારણ અને નકલી નકલી વસ્તુ વેચનારા લોકોને ભાજપ તરફથી સંરક્ષણ મળતું હોય છે. આજે ભાજપે સમગ્ર તંત્ર પર એવી પકડ જમાવી લીધી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતોને ભાવ નથી મળતા, પૂરતું પાણી નથી મળતું, જોઈએ એટલી વીજળી મળતી નથી, ગૌચર જમીનો ખાઈ ગયા, જેના કારણે ખેડૂતોની હાલત આજે દિવસેને દિવસે કફોડી થઈ રહી છે અને આ પરિસ્થિતિ બદલવા માટે જ હવે ગુજરાતના લોકોએ ઊભા થવું પડશે અને આમ આદમી પાર્ટી સાથે જોડાવું પડશે. આમ આદમી પાર્ટી ભાઈ ભત્રીજા વાદ રાખ્યા વગર યુવાનોને અને ઈમાનદાર લોકોને તક આપે છે કે જે લોકો ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અને ગુજરાતના લોકોની સેવા કરવા માટે તત્પર છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ગુજરાત જોડો જનસભામાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કામ વિશે અને આમ આદમી પાર્ટીના વિચારો વિશે આજે ગુજરાતના લોકો જાણી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકો, ગરીબો, સહિત તમામ જાતિ અને તમામ ધર્મના લોકો માટે વિકાસના કામો કર્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવી છે. 30 વર્ષથી ભાજપ સત્તામાં છે તેમ છતાં પણ તેઓ આપણને સારા રોડ અને સારા પૂલ પણ આપી શક્યા નથી. અંગ્રેજોએ બનાવેલા રોડ અને પુલ આજે પણ ટકેલા છે જ્યારે ભાજપે બનાવેલા રોડ એક વર્ષ પણ ટકતા નથી. ગુજરાતની ભાજપ સરકારે ફક્ત ગુજરાતના લોકોને લૂંટવાનું કામ કર્યું છે. ભાજપ વારંવાર લોકોને જાતિ અને ધર્મમાં ઉલજાવીને મત લઈ જાય છે. આજે ગુજરાતમાં કોઈપણ સમસ્યાનો જો કોઈ મૂળ હોય તો તે ફક્ત ભાજપ છે. ચૂંટણીઓમાં પૈસા અને દારૂ વેચીને તે લોકો વોટ લઈ જાય છે પરંતુ ચૂંટણી પત્યા પછી ભાજપના લોકો જનતાને હકના પૈસા લૂંટી જાય છે. ભાજપના ધારાસભ્યો વોટ લીધા પછી દેખાતા પણ નથી. આવા 30 વર્ષના અત્યાચારી શાસન બાદ હવે ગુજરાતના લોકો પાસે એક મજબૂત વિકલ્પ આવ્યો છે. માટે હવે ગુજરાતના લોકોએ સાથે મળીને આમ આદમી પાર્ટીને સત્તામાં લાવવાનું કામ કરવાનું છે.