Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદના લીમડી ગામે ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી હજારો યુવાનો, વડીલો સ્વયંભૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ચૈતર વસાવાએ જન સભા સંબોધતા કહ્યું હતું કે, દાહોદમાં મને બધાનો પ્રેમ મળી રહ્યો છે તે મને વારંવાર અહીં ખેંચી લાવે છે આજે વરસાદ હોવા છતાં પણ અહીંયા હજારોની સંખ્યામાં જનમેદની ભેગી થઈ છે હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. હાઇકોર્ટની ઈમારત હોય, સચિવાલયની ઇમારત હોય, વિધાનસભાની ઈમારત હોય, જે પણ ઇમારત-ભવનો બન્યા છે તેના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે. મને આનંદ છે કે હું એ દાહોદની પ્રજાની વચ્ચે છું જેની સંઘર્ષની વાતો થાય છે, સાહસની વાતો થાય છે અને મહેનતની વાતો થાય છે. ગુજરાતના વિકાસમાં દાહોદની પ્રજાનો પરસેવો છે એટલા માટે જ ગુજરાત આજે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે દિવાળી પહેલા ભાજપે વિકાસ સપ્તાહ ની ઉજવણી કરી હતી જેમાં તેઓ ગામડે ગામડે પોતાના વિકાસનો રથ લઈને પહોંચતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા, વિકાસની મોટી મોટી વાતો કરતા હતા ત્યારે આજે વિકાસ મહોત્સવ ચાલે છે એક તરફ 78 વર્ષનો અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે દાહોદ હોય કે નર્મદા જિલ્લો હોય ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદાનું નામ આવે છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે રાજ્યના વિકાસ માટે દાહોદની પ્રજાએ પરસેવો પાડ્યો છે તેવી જ રીતે નર્મદાના, છોટાઉદેપુરના, પંચમહાલના, મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમ માટે પોતાની જમીન આપી દીધી. આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવે એટલે જમીન લઈ લેવામાં આવે છે કોરિડોરના નામે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે, GMDCના નામે,GIDCના નામે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સંમતિ વગર લઈ લેવામાં આવે છે. ગ્રામસભાની સંમતિ પણ નથી લેવામાં આવતી અને બારોબાર જમીનો લઈ લેવામાં આવે છે.
આજે આખા દેશમાં 40 લાખથી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. દાહોદ આટલો મોટો જિલ્લો છે જેના લોકોએ દેશના વિકાસ માટે આટલું મોટું યોગદાન આપ્યું છે. દિવાળી પૂરી થતાં દાહોદના લોકો મજૂરી કરવા જતા રહેશે. ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ બધી જ જગ્યાએ અમને આ આદિવાસીઓ મળે છે અને અમને કહે છે કે પેટનો ખાડો પુરવાની મજબૂરી અમને અહીં મજૂરી કરવા લઈ આવે છે. અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો, વિકાસ સપ્તાહની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, મનરેગામાં બિન કુશળ શ્રમિકોને રોજગારી આપવાની વાત હતી. આજે અમારા આદિવાસી વિસ્તારમાં રોજગારી નહીં હોવાથી અમારી બહેન, દીકરીઓ શહેરોમાં જાય છે ત્યારે ત્યાં એમનું શોષણ થાય છે, તેમની સાથે અન્યાય થાય છે, તેમના પર બળાત્કાર થાય છે, આ મજબૂરી આ પરિસ્થિતિ ઉભી કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દઈશું. મનરેગામાં એક તરફ અમે રોજગારી માંગી અને મંત્રીઓના છોકરાઓએ રોજગારીના કરોડો રૂપિયા પોતાના ખાતામાં સેરવી લીધા, એક તરફ માતા બહેનો પાણી માટે તરસે છે જ્યારે તેમના સાંસદો ધારાસભ્યો નલ સે જલ યોજનાના નામે કરોડો રૂપિયાનો કૌભાંડ કરે છે. દાહોદમાં જે મૂળ માલીકોની જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને નેતા અને અધિકારીઓએ બારોબાર વેચી દીધી. જંગલ ખાતામાં ગત વર્ષે સો કરોડનું કૌભાંડ થયું, ગુજરાત પેટર્નમાં કૌભાંડ થયું, આદર્શ ગામમાં દાહોદમાં 100 કરોડ રૂપિયા આવ્યા તેનું પણ કૌભાંડ થયું જ્યારે પણ મીડિયા મિત્રોને અમે દાહોદના લોકો સાથે આટલો અન્યાય કેમ થઈ રહ્યો છે તે જણાવીએ છીએ ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે, ધારાસભ્યના નામ આવે એટલે તપાસ બંધ થઈ જાય છે. હવે સરકાર મંત્રીમંડળ બદલી રહી છે પરંતુ આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે. હું તમામ યુવાનોને વડીલોને આહવાન કરું છું કે આવનારી ચૂંટણીમાં તમે ઈંટનો જવાબ પથ્થરથી આપજો.





