Gujarat Accident: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક છોકરી સહિત 6 લોકોના મોત થયા હતા જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત રાજ્ય ધોરીમાર્ગ પર હિંગટિયા ગામ નજીક થયો હતો જ્યારે જીપ અને બસ વચ્ચે ટક્કર થયા બાદ એક ટુ-વ્હીલર વાહને પાછળથી જીપને પણ ટક્કર મારી હતી.

અકસ્માત અંગે માહિતી આપતાં ખેરોજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.આર. ઉમાતે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને તેમાંથી મોટાભાગના લોકો જીપમાં મુસાફરી કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે ટક્કરમાં જીપને ભારે નુકસાન થયું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત સમયે રાજ્ય પરિવહન નિગમની બસ બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી વડોદરા જઈ રહી હતી. જ્યારે જીપ સામેથી આવી રહી હતી. આ સમય દરમિયાન ત્રણ બાઇક સવારો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર જિલ્લા મુખ્યાલય હિંમતનગરની હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના મૃતકો સાબરકાંઠા જિલ્લાના પુરુષો છે.