Chaitar Vasava News: ગુજરાત સરકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવાની જાહેરાત કરી હતી. જેમાં નર્મદા જિલ્લામાં પણ ડેડીયાપાડા તાલુકામાંથી છૂટો પાડીને ચિકદા તાલુકાની નવરચના કરવામાં આવી છે. આજે ચિકદા તાલુકા પંચાયતની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની કચેરીના ઉદ્ઘાટનમાં ડેડીયાપાડાના AAP ધારાસભ્ય Chaitar Vasava મોટી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચૈતર વસાવાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, આજનો દિવસ શુભ દિવસ છે કારણ કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. 1997માં ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો હતો અને વિકાસને વેગ મળ્યો હતો. અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવાની એક જાહેરાત કરી હતી. ડેડીયાપાડામાંથી ચિકદા તાલુકો બની રહ્યો હોય આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
નવો તાલુકો બનવાથી અહીંયા તમામ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિઓ થશે, વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે, જેથી આવનારા સમયમાં આ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં તબ્દીલ થશે. હજારો લોકોને અહીંયા રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ તાલુકા હેઠળ 67 જેટલા ગામોને આવરી આવ્યા છે, એ તમામ લોકોને લાભ મળશે. નાનો તાલુકો હશે તો સરકાર પણ વહીવટી રીતે વધુ ધ્યાન આપશે અને એના આ તાલુકાના વિકાસના પ્રયાસો થશે. આજના આ ઐતિહાસિક દિવસે અહીંયા ઉપસ્થિત રહીને મને ગર્વ થાય છે. આ વિસ્તારમાં જે પણ ગામોનો સમાવેશ થયો છે તેમાં એક બે પંચાયતના કેટલાક કામના પ્રશ્નો છે તો એ આવનારા દિવસોમાં સરકારના ધ્યાને અમે મુકીશું. તેમજ કેટલાક ગામોની અમારા ઉપર પણ અરજી આવી છે કે એમને ડેડીયાપાડા 12 km દૂર પડે છે અને ચીકદા 30 કિલોમીટર દૂર પડે છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબત સરકારના ધ્યાને મૂકીશું. અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ચીકદા તાલુકો એક વેગવંતો તાલુકો બને. આ વિસ્તારના છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે, સારો વહીવટ થાય એ જ અમારી અપેક્ષા છે.
AAP ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં પોતાની વાતની રજૂઆત કરતા કહ્યું હતું કે, હું કલેકટર અને સરકારના મંત્રીની સામે મારી એક નાની વાત મૂકવા માંગુ છું. મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા મને ફોનથી પણ જાણ કરવામાં આવી નથી કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવી નથી. મને કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો ત્યારે મોડી સાંજે મને ખબર પડી અને તેમણે આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પરંતુ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું તો આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યની એમાં બાદબાકી કરવામાં આવે એ મારી બદનામી નથી પરંતુ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની બદનામી છે, એ લોકોનું અપમાન છે એટલે બીજી વાર આવું ન થાય એનું હું ધ્યાન રાખવા માટે આપને વિનંતી કરું છું.