ગુજરાતમાં Holi અને ધુળેટીના તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આમ તો આ તહેવારની ઉજવણી માટેની તૈયારીઓ આરંભી દેવાઈ છે. આગામી 13 તારીખે હોળી અને 14 તારીખે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.

ગુજરાતના મોટાભાગના મંદિરોમાં Holi-ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક મંદિરોમાં હોળીના દિવસે વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે. ધુળેટીના દિવસે મંદિરોમાં ભક્તો એકબીજાને રંગો લગાવીને ઉજવણી કરે છે. કેટલાક મંદિરોમાં ધુળેટીના દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા-ગુજરાત

દ્વારકામાં દર વર્ષે Holi-ધુળેટીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. દ્વારકાધીશ મંદિર ખાતે સંગીત ઉત્સવો અને ગુલાલ સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 13 અને 14 માર્ચે હોળી અને ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. દ્વારકામાં હોળી-ધુળેટીનો અનેરો માહોલ હોય છે, જેમાં કૃષ્ણ ભક્તો દ્વારકાધીશના રંગે રંગાઈને હોળીની ઉજવણી કરે છે. દ્વારકામાં હોળીના આગલા દિવસે સાંજે હોલિકા દહન કરવામાં આવે છે. જેમાં લોકો ગામને પાદરે શ્રદ્ધાપૂર્વક હોલિકા દહન કરી અસત્ય પર સત્યનો વિજય તરીકે ઉજવે છે. તો સાથે જ દ્વારકા મંદિરે દ્વારકાધીશના ભક્તો દૂર-દૂરથી ચાલતા આવે છે.

ડાકોર મંદિર – ઠાસરા, ખેડા-ગુજરાત

ડાકોરના રણછોડરાય મંદિરમાં Holi-ધુળેટીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. હોળીના દિવસે ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાય છે. જેમાં ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ભગવાન રણછોડરાયના દર્શનનો લ્હાવો લેવા ભક્તો દૂર-દૂરથી ચાલીને આવે છે.  મંદિરમાં હોળીના દિવસે વિશેષ પૂજા-અર્ચના અને કીર્તનનું આયોજન કરવામાં આવે છે.  ભક્તો ગુલાલ અને રંગોથી હોળી રમીને કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. ધુળેટીના દિવસે ભગવાન રણછોડરાયને ડોલોત્સવના દર્શન કરાવવામાં આવે છે.  ભગવાન કૃષ્ણની પ્રતિમાને ડોલમાં બેસાડીને ભક્તો સાથે રંગોની છોળો ઉડાડવામાં આવે છે.

શામળાજી મંદિર, શામળાજી-ગુજરાત

શામળાજી મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત એક પવિત્ર સ્થળ છે. અહીં દર વર્ષે Holi-ધુળેટીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મંદિરને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. શામળાજી મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોવાથી, હોળી-ધુળેટીનો તહેવાર અહીં વિશેષ મહત્વ ધરાવે છે.  ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાય છે અને ભક્તો અબીલ ગુલાલની છોડો સાથે રંગોત્સવ ઉજવે છે. હોળીના દિવસે, ભગવાન શામળિયાને વિશેષ સફેદ કૉટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સજાવવામાં આવે છે. ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે, ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરીને હોળી રમાડવામાં આવે છે.

આ પણ વાંચો…