Bhujમાં સર્જાયેલા હિટ એન્ડ રનના બનાવમાં હ્યુન્ડાઈ કંપનીની ડેમો કારના ચાલકની બેદરકારીએ બે નિર્દોષ યુવાનનો ભોગ લીધો છે. શહેરના કોડકી રોડ પર આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ત્રણ જ સેકન્ડસના હિટ એન્ડ રનના બનાવમાં કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ઉપર ત્રણ સવારીમાં જતાં યુવાનો ૧૫ ફૂટ દુર ફંગોળાયા હતા. સારવાર દરમિયાને બે યુવાનોના મોત થયા હતા, એક સારવાર હેંઠળ છે. કંપનીના ભુજ સ્થિત શો રૂમનો સેલ્સમેન ગ્રાહકને દેખાડવા માટે ડેમો કાર લઈને નીકળ્યો ત્યારે ઘટના બની હતી.

Bhuj: કારની જોરદાર ટક્કરથી સેન્ટ્રીંગ કામ ઉપર ત્રણ સવારીમાં જતાં યુવાનો ૧૫ ફૂટ દૂર ફંગોળાયાઃ કાર મુકી સેલ્સમેન નાસી ગયો

પુરપાટ વેગે આવતી ક્રેટા કારે બાઈક, સવાર ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા જે ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. પુરઝડપે આવતી કારે બાઈકને ટકકર મારતા ત્રણેય યુવાનો ૧૫ ફૂટ દુર ફેંકાયા હતા. જો કે, અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટયો હતો જયારે ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનોને સ્થાનિકોએ તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા જયાં ત્રણેક કલાકની સારવાર બાદ ભુજના ચારણવાસ, કેમ્પ એરિયામાં રહેતા ૨૭ વર્ષિય નરેશ ભીમજીભાઈ ચારણ તેમજ રાજેન્દ્રનગર, જયેષ્ઠાનગરના રહેવાસી આમદ હસન સમા (ઉ.વ.૩૭)નું મોત નીપજયું હતું. તેમજ ૪૦ વર્ષિય ઝાહીર કાસમ સુમરા ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હિટ એન્ડ રનનો ભોગ બનેલા મૃતકો શ્રમિક પરિવારના છે. આજે તેઓ બાઈક પર બેસીને સેન્ટ્રીંગ કામે જવા રવાના થયા હતા ત્યારે આ ઘટનાનો ભોગ બન્યા હતા. બીજીતરફ, અકસ્માતને અંજામ આપનાર કાર ચાલક બનાવને અંજામ આપી નાસી ગયો હતો.