અમદાવાદ. GST નોંધણી રદ કરવામાં આવેલી કંપનીઓ પાસેથી કથિત રીતે કાલ્પનિક વ્યવહારો બતાવીને રૂ. ૧૦ કરોડથી વધુના ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવવાના ગુનાના આરોપીને હાઇકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
GST સત્તાવાળાઓના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, અરજદારે શરૂઆતમાં આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે જેવા દસ્તાવેજોના આધારે બનાવટી કંપનીઓ બનાવી હતી અને ત્યારબાદ તે કંપનીઓ સાથે કાલ્પનિક વ્યવહારો દર્શાવ્યા હતા. અરજદારે રૂ. ૧૦ કરોડથી વધુના ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો હતો અને હેતુ પૂર્ણ થયા પછી, ઉપરોક્ત કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું. અરજદાર પક્ષે એવી દલીલ કરવામાં હતી કે, વ્યવહારો કાલ્પનિક નહોતા અને તેમણે ખરેખર ઘણી કંપનીઓ પાસેથી માલ ખરીદ્યો હતો. જોકે, માલ ખરીદ્યા પછી, તે કંપનીઓ તરફથી કેટલીક ભૂલોને કારણે તેમની GST નોંધણી રદ કરવામાં આવી હતી અને અરજદારની આમાં કોઈ ભૂમિકા નહોતી.
આ કેસામાં જસ્ટિસ એમ.આર. મેંગડેએ આદેશમાં નોંધ્યું હતું કે, હાલના ગુનામાં, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ફરિયાદ દાખલ થઈ ગઈ છે. અરજદાર સામે ફરિયાદ પક્ષનો કેસ એ છે કે, તેણે રેકોર્ડ પર કેટલાક કાલ્પનિક વ્યવહારો બતાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભમેળવવાનો દાવો કર્યો હતો. જોકે, વાસ્તવમાં અરજદારે વિવાદીત કોઈપણ પેઢી પાસેથી આવી કોઈ ચીજવસ્તુઓ ખરીદી નહોતી. ફરિયાદ પક્ષના કેસ મુજબ, હાલના અરજદારે પોતે જ તે કંપનીઓબનાવી હતી અને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો હતો. અરજદાર સામે કથિત ગુનો પાંચ વર્ષ સુધીની કેદની પાત્ર છે. અરજદારની ડિસેમ્બર 2024માં આ ગુનાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે કસ્ટડીમાં છે. આ પાસાઓ ધ્યાનમાં લેતા, હાલની અરજી વિચારણાને પાત્ર છે અને તેથી હાલની અરજીને આથી મંજૂરી આપવામાં આવે છે.
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપોની પ્રકૃતિ તેમજ અરજદારની કથિત ભૂમિકાનો વિચાર કરતાં અને એફઆઈઆર અને પોલીસ ડોક્યુમેન્ટ્સને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટ દ્વારા અરજદારના જામીન ફગાવી દેતા અગાઉના આદેશની નોંધ પણ લેવામાં આવી છે. હાઈકોર્ટે તેમને રૂ. ૧૦ હજારના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની એક જામીનગીરી સાથે જામીન મંજૂર કર્યા, જે ચોક્કસ શરતોને આધીન છે. સાથે જ હાઇકોર્ટે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, ટ્રાયલ કોર્ટ જામીનના આદેશમાં હાઈકોર્ટના પ્રથમદર્શી અવલોકનોથી પ્રભાવિત થશે નહીં.