Gujarat: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ છે. જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે આ વચ્ચે ઘણા શહેરોમાં નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે. કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે.

જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ સિવાય અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહીસાગર, વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.