હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ ખાબક્યો હતો. ત્યારે વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી વલસાડના અનેક વિસ્તાર જેમ કે, એમ.જી. રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં.
મળતી માહિતી અનુસાર વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી ન કરવાના કારણે થોડા જ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ હતી. શહેરમાં એક કલાક માં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના એમ.જી.રોડ,ખત્રીવાડ,છીપવાડ, દાણાબજાર ,છીપવાડ અંદર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાય જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ક્યાક ધીમી ધારે તો ક્યાક મુશળધાર વરસાદ વરસ્યો છે. જોકે, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.