ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ હિટવેવનો માર ગુજરાતીઓને સહન કરવો પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં હિટવેવ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે.

હાલના તાપમાન કરતા 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત, અમદાવાદમાં પણ 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના 6 જિલ્લાઓમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં, દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ હિટવેવનો માર પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ, જેમાં પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છમાં હિટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. 4 દિવસના એલર્ટમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ સાથે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દરિયા કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે. આ સાથે જ, ઉત્તર પશ્ચિમ-ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ શકે છે. જણાવી દઈએ કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પણ પડી ચુક્યો છે. ત્યારે આજથી વરસાદ એક અઠવાડિયા માટે વિરામ લઈ શકવાની પણ આગાહી સામે આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અગાઉ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ વહેલું આવી શકે છે. આ સાથે વરસાદના આંકડા પણ સારા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.