ગુજરાતમાં ગાભા અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પારો એટલો વધી ગયો છે કે, શરીર દાઝી જાય. આવામાં આજે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. 44.7 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર જિલ્લાએ વર્ષ 2024 ની ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે. અહીં આગ ઝરતી ગરમીમાં લોકોને બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર આજે સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રીએ પહોંચ્યું છે. જે કારણે લોકોને ઘર બજાર ન નીકળવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો હીટસ્ટ્રોકથી બચે તે અંગે પણ અપીલ કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હીટવેવ જોવા મળી છે. રાજકોટમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. સૌથી વધુ 44.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે.
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે.