કાળઝાળ ગરમીને કારણે સુરત અને સૌરાષ્ટ્રમાં ગભરામણ, હાર્ટ એટેક, ખેંચ અને બેભાન થયા બાદ 14 લોકના મોત થયા છે. જેમાં સૌરાષ્ટરમાં 5 લોકોના મોત થયા છે જ્યારે સુરતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હીટવેવને લીધે હાલારમાં ત્રણ વ્યકિતઓનાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું છે. મોરબીનાં વાઘપરમાં ભુવાને ધુણતા ધુણતા હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે રાજકોટમાં પારેવડી ચોકમાં રહેતા મ્યુ. કોર્પો.નાં કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાહેર થયું હતું.
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ દામજીભાઈ બુસા નામના ૫૪ વર્ષના આધેડનું હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ જાદવ નામના ૪૫ વર્ષના યુવાનનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું છે. અન્ય એક કેસમાં કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રફુલસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના ખેડૂત ગઈકાલે બપોરે ગરમીના કારણે બેશુદ્ધ બની ગયા હતા. હોસ્પિટલમાં લઈ જતા તેમનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
વાઘપર ગામે ભૂવા પીથ્ભાઈ મકવાણા રહે વાઘપર વાળા ધૂણતા હતા ત્યારે ધૂણતા ધૂણતા ભુવાજીને હાર્ટ એટેક આવ્યો હતોં ને હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નીવડયો હતો. જ્યારે હાર્ટ એટેકનાં પાંચમો બનાવ રાજકોટમાં બન્યો હતો. અહીં પારેવડી ચોકમાં મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા અને મ્યુ. કોર્પો.નાં સોલીડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા રમેશભાઇ બાબુભાઇ જાખરિયા (ઉ.વ. 46)નું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
સુરતની વાત કરીએ તો લિંબાયતમાં તાવ બાદ ૩૬ વર્ષીય યુવાન, રાંદેરમાં ૪૩ વર્ષીય આધેડ, હજીરામાં ૪૮ વર્ષીય આધેડ અને ૪૫ વર્ષીય આધેડ, ડીંડોલીમાં ચક્કર આવ્યા બાદ૩૩ વર્ષીય મહિલા, ઉધનામાં તાવ આવ્યા બાદ ૪૦ વર્ષીય યુવાન,અમરોલીમાં ૩૮ વર્ષીય યુવાન, પાંડેસરામાં ૩૮ વર્ષીય યુવાન અને નાનપુરામાં ગભરાણ થયા બાદ ૪૦ વર્ષીય યુવાન તબિયત બગડતા બાદ મોત થયા હતા.