હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં હિટવેવને પગલે વૃદ્ધાનું મોત થયું હતું, જ્યારે 2 લોકોને ચક્કર આવતા અને ગભરામણ થતા એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા હતા. મકરપુરામાં રહેતા 56 વર્ષીય મનોજ સોલંકીનું ગરમીને કારણે ગભરામણ થતાં મોત થયું હતું. અલકાપુરીમાં રહેતા 49 વર્ષીય અવિનાશ યાદવને ચક્કર આવતા બેભાન થયા હતા. જ્યારે ગોરવામાં રહેતા 51 વર્ષીય સાકીર શેખને સાયકલ ચલાવતી વખતે ચક્કર આવતા બેભાન થયા હતા. આ બંને બંને દર્દીઓ ને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા હતા.

ગોરવા ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા 51 વર્ષના સાકીરમીંયા રહીમમીંયા શેખ શુક્રવારે સવારે પોણા અગિયાર વાગ્યે સાઇકલ લઇને પોલિટેકનિક કોલેજના ગેટ પાસેથી પસાર થતા હતા. તે સમયે અચાનક તેઓને ચક્કર આવતા તેઓ સાઇકલ પરથી નીચે પટકાતા માથામાં ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મકરપુરા એરફોર્સ પાસે નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા 56 વર્ષના મનોજકુમાર મંગળભાઇ સોલંકી ઓ ઘરે હતા તે દરમિયાન અચાનક તેઓને ગરમીના કારણે ગભરામણ થતા પરિવારજનો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.

હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. તેનાથી વિપરીત, દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 23 મે સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 19, હરિયાણામાં 18, દિલ્હીમાં 8 અને પંજાબમાં બે જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપના વિજ્ઞાાનીઓએ જણાવ્યું છે કે કલાયમેટ ચેન્જને કારણે પડી રહેલ હિટવેવને કારણે સમગ્ર એશિયામાં વસતા ગરીબોનું જીવન વધુ મુશ્કેલ બની રહ્યું છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં અત્યંત તીવ્ર ગરમીના મોજાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં તીવ્ર ગરમીના મોજાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવજાત બાળકો, વૃદ્ધો અને હઠીલા રોગોના દર્દીઓ સહિત નબળા લોકોની કાળજી લેવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.