Gandhinagar: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી નડ્ડા દ્વારા પંચકુલા હરિયાણાથી રાષ્ટ્રવ્યાપી ૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં ટી.બી નિર્મૂલન ઝુંબેશનો GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતેથી રાજ્યના ૧૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકામા શુભારંભ કરાવ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ટી.બી રોગનું નિર્મુલન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ટી.બીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન સારવાર કરીને ટી.બીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીએ છીએ. સમગ્ર દેશમાં ટી.બી નાબૂદી ત્યારે જ શક્ય બનશે જ્યારે સરકાર અને સમાજ બંને એક બીજાની સહભગીતાથી ભેગા મળીને કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટી.બી રોગને ભારત માંથી નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતના પ્રત્યેક નાગરિકોની ચિંતા કરે છે. તેમણેવર્ષ-૨૦૨૫માં ભારત દેશ માંથી ટી.બીને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે, તેમજ ગુજરાતમાં કોઈ પણ ટી.બીનો દર્દી વર્ષ-૨૦૨૫માં રહી ન જાય તેવો સંકલ્પ કરવા આરોગ્ય વિભાગના અધિકારી – કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.
મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર, તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
વધુમાં મંત્રીશ્રી એ ગુજરાતના નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, ટી.બી રોગ જે તે વિસ્તારમાં ફેલાયેલો હોય ત્યાં આસ-પાસ રહેતા નાગરિકો, કુટુંબીજનોને જે વ્યક્તિ ને થયો હોય તે વ્યક્તિની જાણકારી આપે જેથી ભવિષ્યમાં તે રોગનો સંક્રમણ અન્ય વ્યક્તિમાં પ્રસરે નહિ, તેવી જન-જાગૃતિ ફેલાવવાની કામગીરી સરકારના આરોગ્ય વિભાગની સાથે સાથે સમાજની પણ છે. ટીબી ત્યારે જ આ દેશ માંથી નાબૂદ થશે જ્યારે સમાજ અને સરકાર બંને પરસ્પર કામગીરી કરશે ત્યારે જ આપણે ટી.બીની આ લડાઇ સામે જીત પ્રાપ્ત કરી શકીશું. વધુમાં મંત્રીશ્રી એ મોટી કંપનીઓના દાતાઓને વિનંતી કરી હતી કે, તેઓ મોટા પ્રમાણમાં આગળ આવીને પોતાની CSR પ્રવૃત્તિમાં ટી.બીના દર્દીઓને દત્તક લઈને તેને આ લડાઇ સામે રક્ષણ આપવા મદદ કરે જેથી આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ પણ ક્ષય રોગથી પીડાતો દર્દી ન રહે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૧થી અત્યાર સુધીમાં રાજ્યમાં ૧.૪૦ લાખથી વધુ ટી.બી. દર્દીઓને સારવાર આપી તેમનું જીવન ટી.બી. બીમારીથી મુક્ત બનાવવામાં આવ્યું છે. રાજ્યના દરેક વ્યક્તિને ટી.બી. જેવી ગંભીર બીમારીથી બચાવવાનો અમારો સંકલ્પ છે. રાજ્યને ટી.બી. મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગત વર્ષે સુધારેલી S.O.P. પણ જાહેર કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માત્ર ટી.બી.ના દર્દીઓને સારવાર જ નહિ પરંતુ તેમનું સતત મોનીટરીંગ પણ કરે છે, જેથી સારવાર પછી પણ દર્દીઓની તકેદારી રાખી શકે.
આ પ્રસંગે ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નિક્ષય મિત્ર ન્યારા એનર્જી અને ઇન્ડિયન ઓઇલ કોર્પરેશન લિમિટેડ કંપનીને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા રાજ્યમાં ૧૬ જિલ્લા અને ૪ કોર્પોરેશન વિસ્તારમાં ફરતી નિક્ષય વાહનને ફ્લેગઓફ કર્યું હતુ. રાજ્યમાં ફરતી નિક્ષય વાહન ક્ષયના દર્દીઓને શોધી સ્થળપર જ નિદાન તેમજ નાગરીકોને ક્ષય રોગને લગતી માહિતી આપી જન જાગૃતિ ફેલાવશે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયરશ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર (ઉત્તર) ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના કલેકટર એમ. કે. દવે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર હર્ષદ પટેલ, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ, દાતાશ્રીઓ, સહિતના ટી.બી.ના દર્દીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.