Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભમાં અમદાવાદ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, યોગ દિવસની ઉજવણી, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સાહન, ઉપરાંત ટેલિમેડિસીન, વિડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન વગેરે પ્રયાસો હાથ ધરાયા છે. દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. 1,65,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં રૂ. 37,000 કરોડથી વધારીને આજે રૂ. 1,28,000 કરાયું છે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી Amit Shahએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવો હોય તો હેલ્ધી ડેમોગ્રાફી આવશ્યક છે અને આ બાબતે તબીબોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તબીબોએ ઈલનેસને બદલે વેલનેસને પોતાનું ફોકસ બનાવવું જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
કોરોના કાળમાં દેશભરના તબીબોએ કરેલી સેવાઓને હૃદયપૂર્વક બિરદાવવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ તબીબોને આયુષ્યમાન ભારત યોજના તથા જેનરિક દવાઓ બાબતે તબીબો દ્વારા સકારાત્મક માહોલ ઊભો કરવામાં આવે, એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય મંત્રી Amit Shahએ વધુમાં જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે તબીબી ક્ષેત્રના એથિક્સનાં પરિમાણો પણ બદલવા જરૂરી બન્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેએશ જેવી સંસ્થાઓએ મેડિકલ એથિક્સને રીડિફાઇન કરવા માટે પ્રયાસો કરવા જોઈએ. મેડિકલ કૉલેજોમાં ભાવી ડોક્ટરોનું એથિક્સની સમજ સાથે ઘડતર કરીને દેશને સારા ડૉક્ટરો મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ આઈએમએ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી તથા આ એસોસિયેશન સાથે સંકળાયેલા તબીબો ટેલિમેડિસીન તેમજ વિડિયો કાઉન્સેલિંગ જેવી પ્રવૃત્તિઓમાં જોડાય, એવી અપીલ કરી હતી. એસોસિયેશન તબીબોની માગણીઓની રજૂઆત કરવાની સાથે સાથે દેશનું આરોગ્ય ક્ષેત્ર વધારે મજબૂત અને અભેદ્ય બને એ માટે પણ પ્રયાસો કરશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
અમિતભાઈએ નવા વરાયેલા રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનિલ નાયકને ઊર્જાવાન ગણાવીને તેમના થકી એસોસિયેશનને નવી ઊર્જા અને ગતિ પ્રાપ્ત થશે, એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવાઓ વધારે સજ્જ બની છે. દેશમાં એઇમ્સ, મેડિકલ કૉલેજો તથા સુપરસ્પેશિયાલિટી હોસ્ટિપટલોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. ગુજરાત સરકારે પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના માર્ગદર્શનમાં આરોગ્ય અને મેડિકલ શિક્ષણ પર હંમેશાં ભાર મૂક્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે રાજ્યમાં માત્ર 1175 મેડિકલ સીટો હતી, આજે જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજના આયોજનથી દર વર્ષે 7000 હજારથી વધુ ડૉક્ટરો મળતા થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતના મેડિકલ એજ્યુકેશન સેક્ટરમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે, એવું જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વર્ષ 2014 પહેલાં દેશમાં 387 મેડિકલ કોલેજો હતી, તેમાં 88 ટકા વધારો નોંધાતાં આજે મેડિકલ કૉલેજોની સંખ્યા 731 થઈ ગઈ છે. આ ઉપરાંત એમબીબીએસની સીટોમાં 118 ટકાનો વધારો થયો છે. 2014માં મેડિકલ સીટ 51 હજાર હતી, જે આજે વધીને એક લાખ 12 હજારને પાર કરી ગઈ છે. પીજી સીટોમાં 133 ટકાના વધારા સાથે તેની સંખ્યા 31 હજારમાંથી અત્યારે 72 હજાર થઈ ગઈ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનના 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટેના ગુજરાતના પ્રયાસોની વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપમાં વર્ષ 2024 સુધીમાં 100 ટકા યુનિવર્સલ હેલ્થકેર કવરેજ, એનિમિયા અને કુપોષણ નાબૂદી જેવા લક્ષ્યો સાથે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે. સ્વસ્થ- વિકસિત ગુજરાતથી સશક્ત-સમૃદ્ધ વિકસિત ભારતના લક્ષ્યને પાર કરવામાં મેડિકલ ક્ષેત્ર પણ અગ્રેસર બની રહેશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું આ વર્ષે દેશભરમાં સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી તથા વંદે માતરમની રચનાના 150 વર્ષની ઉજવણી સાથે ઑલ ઇન્ડિયા મેડિકલ કૉન્ફરન્સ અને એસોસિયેશનની શતાબ્દી પણ ઊજવાઈ રહી છે ત્યારે આપ સૌ માટે ડબલ બોનાન્ઝા જેવી આ ઉજવણી છે. એક શતાબ્દી કરતાં પણ વધારે લાંબા સમયથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દેશના આરોગ્ય ક્ષેત્રને માર્ગદર્શન આપી રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માત્ર એક વ્યાવસાયિક સંગઠન જ નહિ, પરંતુ રાષ્ટ્રના સ્વાસ્થ્ય સંરક્ષણનું પ્લેટફોર્મ બન્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આઈએમએ નેટકોન-2025ની થીમ અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સની થીમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ તથા કેન્દ્રી ગૃહ મંત્રી અમિતભાઈના ‘હેલ્થકેર એન્ડ વેલબિઈંગ ફોર ઓલ’ના વિચારને સુસંગત છે. સર્વિસ, સાયન્સ અને સીનર્જીની શતાબ્દીના ધ્યેયમંત્ર સાથે આપ સૌ ભેગા થયા છો, તે અભિનંદન પાત્ર છે. કૉન્ફરન્સમાં થનારા ચર્ચા-વિમર્શ દેશમાં આરોગ્ય સારવાર ક્ષેત્રને નવી દિશા આપશે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આઈએમએના નવા પ્રમુખ ડૉ. અનિલ નાયક અને તેમની ટીમન શુભેચ્છાઓ પાઠવી હતી અને નવી ટીમ ‘નેશન ફર્સ્ટ, પેશન્ટ ફર્સ્ટ’ના ધ્યેય સાથે આગળ વધશે, એવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આઈએમએના ચીફ પેટ્રન અને પૂર્વ પ્રમુખ કેતન દેસાઈએ આ સંસ્થાની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ સંસ્થા સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે અને સૌના સાથ-સહકારથી ચાલે છે, એવું જણાવ્યું હતું. ડૉ. દેસાઈએ દેશભરમાં હેલ્થ કેર સેક્ટરમાં આવી રહેલા રેડિકલ ટ્રાન્સફોર્મેશન અંગે વાત કરી હતી. તેમણે નવા વરાયેલા ડૉ. અનિલ નાયકના સંઘર્ષને બિરદાવીને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ. અનિલ જે. નાયકે આઈએમએના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે શપથગ્રહણ કર્યા હતા અને પ્રથમ પ્રમુખીય પ્રવચનમાં સૌનો આભાર માનીને સરકાર પાસેની અપેક્ષાઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ‘100 સ્ટેપ્સ ફોર હેલ્ધી લાઇફ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું.
આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. દિલીપ ભાનુશાળી, સેક્રેટરી જનરલ સર્વરી દત્તા, ડૉ. પીયૂષ જૈન, ડૉ. અનિલ પટેલ, ડૉ. મેહુલ શાહ સહિત એસોસિયેશનના વરિષ્ઠ પેટ્રન્સ, પદાધિકારીઓ અને સભ્ય તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આઈએમએ દ્વારા આયોજિત ત્રીદિવસીય નેશનલ કોન્ફરન્સમાં દેશભરના પાંચ હજારથી વધારે તબીબો સહભાગી થયા હતા





