Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું આજે વહેલી સવારે હાર્ટ એટેકથી મોત થયું છે. કોન્સ્ટેબલનું મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે 07-03-2025ના રોજ એક પીઆઈનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
નોંધનીય છે કે અગાઉ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.