Gujarat News:રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
- ભારે વરસાદની આગાહી મુજબ સચેત પોર્ટલ દ્વારા સંબંધિત જિલ્લાના નાગરિકોને SMS મારફતે આગોતરી જાણ કરાય છે
- રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર ૧૩, એલર્ટ પર ૧૧ અને વોર્નિંગ પર ૧૬ ડેમ
- રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાનો ૩૬.૬૨ ટકા જેટલો સંગ્રહ: સરદાર સરોવરમાં ૫૪.૯૪ ટકા જેટલો સંગ્રહ
- રાજ્યમાં ભારે વરસાદને પરિણામે ૪૫ વ્યક્તિઓનો રેસ્ક્યુ અને ૩૯૮ વ્યક્તિઓનો સલામત સ્થળે સ્થળાંતર કરાયું
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી.
શ્રી પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ૨૪ x ૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરશ્રીઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ ૧૦ ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ ૨૦ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
શ્રી પાંડેએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ ૪૫ વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા ૩૯૮ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના ૫૭ ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના ૦૯ સ્ટેટ હાઇવે, પંચાયતના ૧૭૪ રસ્તાઓ તથા અન્ય ૨૬ રસ્તાઓ મળી કુલ ૨૦૯ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે ૩૫૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી ૩૧૪ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા ૪૫ ગામોમાં કામગીરી પ્રગતિમાં છે. વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા શ્રી પાંડેએ રાજ્યના નાગરિકોને અપિલ કરી હતી.
શ્રી પાંડેએ જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
શ્રી પાંડેએ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં ૩૦૧ મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં ૨૨૭ મી.મી., જુનાગઢ જિલ્લામાં ૧૭૬ મી.મી., વલસાડ જિલ્લામાં ૧૯૫ મી.મી., જામનગર જિલ્લામાં ૮૬ મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં ૬૫ મી.મી., રાજકોટ જિલ્લામાં ૪૬ મી.મી., નવસારી જિલ્લામાં ૪૧ મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં ૧ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સાંજના ૬.૦૦ કલાક સુધીમાં સરેરાશ ૩૨૮.૪૪ મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૩૭.૨૦ ટકા જેટલો થાય છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર ૧૩, એલર્ટ પર ૧૧ અને વોર્નિંગ પર ૧૬ જળાશયો છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ૨,૦૫,૧૨૨ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો ૩૬.૬૨ ટકા જેટલો છે. સરદાર સરોવરમાં ૧,૮૩,૫૩૨ એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૯૪ ટકા જેટલો છે.