Gujrat: હળવદના ઢવાણા ગામની કંકાવટી નદીમાં ટ્રેકટરની સાથે ૧૭ લોકો તણાયા હતા. તેમાંથી ૯ લોકોને બચાવી લેવાયા હતા. જયારે ૮ લાપત્તા બન્યા હતા. ગઈકાલે ૩ યુવાનોના મૃતદેહ મળ્યા બાદ આજે વધુ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જયારે એક બાળકી હજૂ લાપત્તા છે. ઢવાણાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને ૪-૪ લાખની સહાય જાહેર કરાઈ છે.

હજૂ એક બાળકી લાપત્તાઃ મૃતકોના પરિવારને સીએમ રાહત ફંડમાંથી પ્રત્યેકને ૪-૪ લાખની સહાય જાહેર

Gujrat: હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક ટ્રેકટર પાણીમાં તણાયું હતું. જે બનાવના ૬૪ કલાક બાદ એસડીઆરએફ અને એનડીઆરએફ અને ફાયર ફાઈટર | તરવૈયાઓની ટીમે જાનકીબેન પ્રવિણભાઈ મકવાણા (ઉ.વ.૩૨, રહે. નવા ઢવાણા), રાજુબેન ગણપતભાઈ બારોટ (ઉ..વ.૪૫, રહે. નવા ઢવાણા), આશિષ સુરેશભાઈ બારોટ (ઉ.વ.૧૨, રહે. નવા ઢવાણા) તથા ગીતાબેન સુરેશભાઈ બારોટ (ઉ.વ.૧૯, રહે. નવા ઢવાણા) એમ ચાર લોકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. હજૂ પણ એક જીનલબેન લાપત્તા છે. જેને શોધવા માટેની કામગીરી હાલ ચાલુ છે.

છેલ્લા ત્રણ દિવસથી મામલતદાર અલ્પેશભાઈ જી. સુરાણી તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, હળવદ પીઆઈ આર. ટી. વ્યાસ સહિત સ્થાનિક તંત્ર ત્રણ દિવસથી ખડેપગે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. સાથે સાથે સ્થાનિક ગ્રામજનો પણ ત્રણ દિવસથી ખડે પગે શોધખોળમાં પોતાની સેવા આપી રહ્યા છે.

હળવદના ઢવાણા ગામની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪-૪ લાખની સહાય જાહેર કરાઈ છે. તથા ઢવાણા ગામે મૃતકોનીઅંતિમયાત્રામાં સુરેન્દ્રનગરના સાંસદ, હળવદના ધારાસભ્ય તથા અન્ય આગેવાનો જોડાયા હતા. તથા પીડિત પરિવારજનોની મૂલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.