(હાર્દિક દેવકીયા)
ગુજરાતમાં ઠેર ઠેર ખનીજ ચોરીએ માઝા મૂકી છે. ગુજરાતની તમામ નદીઓને બાપોતરી પેઢી સમજી બેઠેલા ખનીજ માફિયાઓ રેતી ખનન કરી રહ્યા છે. રાજ્યના અનેક ગામોમાં ભૂસ્તર વિભાગ અને ખનજી માફીયાઓની સિન્ડીકેટથી માટી ચોરી થઈ રહી છે. ભૂસ્તર વિભાગ સરકારી ચોપડે હાથ અધ્ધર રાખવા માટે ભૂમાફીયાઓની સાથે ગોઠવણ કરી અને ચોક્કસ કેસો સરકારી ચોપડે બતાવી પોતે સક્રિય હોવાનો હાઉ ઉભો કરે છે. જેની આડમાં ખૂબ મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરી સામે આંખ આડા કાન કરી અને પાછલા બારણે મોટા વહીવટો ચાલી રહ્યાની ચર્ચાઓ છે.

ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં માટી અને રેતી ચોરીમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને મહીસાગર, ભરૂચ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, નર્મદા સહિતના જિલ્લાઓમાં નદીઓના પટ પર થતી આ ચોરી માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ જ નથી, પરંતુ તેમાં રાજકીય આશરો અને ભ્રષ્ટાચારનો ગંભીર મેળાપ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓનો આરોપ છે કે માટી ચોરીમાં સંકળાયેલા ખનીજ માફિયાઓને રાજકીય પક્ષોનું જબરજસ્ત પીઠબળ મળી રહ્યું છે. જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અસરકારક પગલાં લેવાતા નથી.
રાજ્યના અનેક જિલ્લાઓમાં માટી અને રેતી ચોરીની ઘટના માં રાજકીય સહારાનો મોટો ભાગ રહેલો છે. ભૂસ્તર ખાતાની માહિતી સામે લાવી તેમને ઉઘાડા પાડવા માટે સક્રિય થયેલા અનેક સામાજીક કાર્યકરોનો આરોપ છે કે માટી ચોરીમાં સંકળાયેલા ખનીજ માફિયાઓને સ્થાનિક અને રાજ્ય સ્તરના રાજકીય નેતાઓનો સપોર્ટ મળી રહ્યો છે. આ રાજકીય મદદ નાં કારણે, ખનીજ માફિયાઓ નિર્ભયપણે માટી અને રેતીની ચોરી કરી રહ્યા છે અને તેમને કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી નો ડર લાગતો નથી. રાજકીય નેતાઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે અથવા તેમને આર્થિક લાભ થાય છે, જેના કારણે તેઓ આ સમસ્યા સામે મૂંગા રહે છે.

અસરકારક પગલાંનો અભાવ !!
માટી ચોરીની સમસ્યાના મૂળમાં ભ્રષ્ટાચાર અને રાજકીય દબાણ રહેલું છે. પરંતુ પોતાના મત વિસ્તારમાં ચાલતા ખનીજ કૌભાંડ સામે તમામ ધારાસભ્યો ચૂપ છે. ઉલ્ટાનું ખનીજ ચોરો ને મદદ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે, સરકારી અધિકારીઓ ખનીજ માફિયાઓ અને રાજકીય નેતાઓના દબાણ હેઠળ કામ કરે છે. ચોરી પકડાય છે, પરંતુ કેસ લંબાય છે. ખનીજ માફિયાઓ ગમે તે રીતે દંડની રકમ ઓછી કરે છે. અધિકારીઓને યેન કેન પ્રકારે વશમાં કરે છે અને ફરીથી એ જ રીતે ખનીજ ચોરીમાં જોતરાય છે. પૈસા અને પોલીટીકલ પાવરથી અધિકારીઓ ગંભીર કાર્યવાહી કરતા નથી. આવી પરિસ્થિતિમાં, ચોરી કરનારાને ડર લાગતો નથી અને તેઓ ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માં લીન થઈ જાય છે. જે જગ્યાએ અને જે ખનીજ ચોરની ગેરકાયદેસર ખનીજ ચોરી તંત્રએ પકડી છે તે ખનીજ માફિયાઓ કાર્યવાહી થયાના બીજા દિવસથી જ તે જ જગ્યાએ ફરીથી ખનીજ ચોરી શરૂ કરી દે છે. જે ભુસ્તર વિભાગ માટે શરમજનક બાબત છે.
પર્યાવરણને નુકસાન: નદીઓની સ્થિતિ ચિંતાજનક
માટી અને રેતી ચોરીના કારણે મહીસાગર, નર્મદા, શેઢી, વાત્રક સહિતની નદીના પટ પર પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. રેતી અને માટી ની ચોરીના કારણે નદીના પટની સ્થિરતા ખોરવાઈ રહી છે, જેના કારણે વહેણમાં ફેરફાર થઈ શકે છે અને બાદમાં પૂરની સમસ્યા ઊભી થઈ શકે છે. આટલું બધું નુકસાન થઈ રહ્યું છે, છતાં સરકાર અને અધિકારીઓ આ સમસ્યા સામે ગંભીરતાપૂર્વક પગલાં લેતા નથી. શું પર્યાવરણની રક્ષા કરવી સરકારની જવાબદારી નથી?
કાયદેસર પરવાનગીની આડમાં ગેરકાયદેસર ખનન
અધિકારીઓની મિલીભગતથી ખનીજ માફિયાઓએ નવો ખેલ શરૂ કર્યો છે. ખનીજ ચોરો 10000 મેટ્રીક ટનની પરમીશન મેળવે છે. પરંતુ માટી માફિયાઓ આ પરવાનગીની આડમાં અનેક ગણું માટી ખોદકામ કરી નાંખે છે. આ સિવાય ખનીજ માફિયાઓ તળાવ ઊંડું કરવાની પરવાનગી મેળવ્યા બાદ કુલ ક્ષેત્રફળ કરતાં વધુ જગ્યાની પરવાનગી મેળવી તળાવની આસપાસની જગ્યા પણ ખોદી નાંખે છે. પરમીશન આપ્યા બાદ લીઝ ધારક પરવાનગી મુજબનું જ ખોદકામ કરે છે કે નહીં તેની તસ્દી ભુસ્તર વિભાગ દ્વારા લેવામાં આવતી ન હોવાથી ખનીજ ચોરો ને ચોરી કરવાનું મોકળું મેદાન મળી ગયુ છે.
આ પણ વાંચો..
- સેમીફાઈનલ અપડેટ : ભારતને જીતવા માટે 55 બોલમાં 59 રનની જરૂર : વિરાટ કોહલીએ 90 બોલમાં 80 રન ફટકાર્યા
- ઘણા કલાકોના દરોડા બાદ, અખિલેશના નજીકના ભૂતપૂર્વ MLA Vasudev Yadav ની ધરપકડ
- Gujarat મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં ઐતિહાસિક નિર્ણય લેવાશે, ૪૫૦ જેટલા યુ.જી. તેમજ ૧૦૧૧ જેટલા પી.જી. બેઠકોની મળશે મંજૂરી
- નડિયાદમાં 3ના શંકાસ્પદ મોતનો મામલો : શિક્ષકે આયોજનપૂર્વક મૂકબધિર પાડોશી પર સોડીયમ નાઈટ્રાઈટનો અખતરો કરતા 3ના મોત થયા
- Ahmedabadની વાઇરલ ગોળ ગર્લ્સ, જાણો કેવી રીતે સંભાળે છે બિઝનેસ