કાળઝાળ ગરમી બાદ રાજ્યમાં અને દેશના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. ત્યારે આ વચ્ચે ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનને કારણે 15 વિદેશી નાગરિકો સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. જેમા કેટલાક ગુજરાતીઓ પણ સામેલ છે.
મળતી માહિતી અનુસાર સિક્કિમના લાતુંગમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે. જેમા અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં આ તમામ લોકો સિક્કિમ ગયા હતા. જોકે, 3 દિવસથી કોઈ સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગંગટોક,લાતુંગ આસપાસના પ્રદેશમાં મુસાફરી માટે તમામ મુસાફકોએ બુકીંગ કરાવ્યું હતું. વીસ જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્રણ દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ માહિતી આપી છે.
તમને જણાવી દઇએ કે ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનને કારણે 15 વિદેશી નાગરિકો સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. પહાડી રાજ્યમાં ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે 9 લોકોના મોત થયા છે. મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી અને ખાદ્યપદાર્થો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા હતા.
મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે મિન્ટોકગંગમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પહાડી રાજ્ય ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સ્થાનિક અધિકારીઓએ ફસાયેલા પ્રવાસીઓને પોતપોતાના સ્થળોએ રહેવા અને જોખમ લેવાનું ટાળવા જણાવ્યું છે.