Weather Update: ગુજરાતમાં આખો માર્ચ મહિનો કાળઝાળ ગરમીથી ઘેરાયેલો રહ્યો હતો. સમગ્ર મહિના દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 38-40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવે રાજ્યમાં ત્રણ પ્રકારનું હવામાન જોવા મળશે. આગામી દિવસોમાં રાજ્યના શહેરોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને ગરમીનું મોજું જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. પોરબંદરમાં હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં હીટ વેવની ચેતવણી જારી કરી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન હવામાનની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની શક્યતા છે. ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વિવિધ સ્થળોએ વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 2 દિવસ સુધી 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ગાજવીજ સાથે હળવો વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. તે જ સમયે, બુધવારે તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે.

તોફાન આ જિલ્લાઓમાં ત્રાટકી શકે છે
IMD અનુસાર, ઉત્તર ગુજરાતના અરવલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે આ જિલ્લાઓમાં તોફાન પણ આવી શકે છે અને પવન 30-40 કિમી પ્રતિ કલાકથી ઓછો રહેવાની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવા વરસાદની શક્યતા છે.