Gujarat Weather Update: રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે વાદળછાયુ વાતાવરણ વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે અને 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ બદલાતા હવામાન પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હોવાનું જણાવાયું છે.

આ સિવાય અંબાલાલ પટેલની આગાહી મુજબ 3 થી 6 એપ્રિલ દરમિયાન દ્વારકા, ઓખા અને જામનગર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. જેના કારણે ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ સિસ્ટમની અસરથી વરસાદ પડશે. જે સમગ્ર પશ્ચિમ ભારતમાં હવામાનને પ્રભાવિત કરશે.