Gujarat Weather: રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠાની શક્યતા છે, જ્યારે મહેસાણા અને પાટણમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
મળતી માહિતી અનુસાર રાજ્ય પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે, જેના કારણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટા-છવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આ હવામાન પરિવર્તન સર્જાયું છે, જેમાં વીજળીના કડાકા-ભડાકા થવાની અને ભારે પવન પણ ફૂંકાવાની આગાહી છે. સુરક્ષાના ભાગરૂપે આજે રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.આ સિવાય કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં માવઠાના એંધાણ છે, જ્યારે જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે, કારણ કે અચાનક પવન અને વીજળી સાથેનો વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે.





