Gujarat: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય/મધ્યસત્ર/વિભાજન હેઠળની ચૂંટણી હેઠળની 4546 ગ્રામ પંચાયતો પૈકી કુલ 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી હેઠળની કુલ 272 ગ્રામ પંચાયતો સિવાયની કુલ 3541 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની થાય છે.

81 લાખ મતદારો મતદાન કરશે
પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામ પંચાયતો બાદ કરતાં 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની થાય છે. સામાન્ય/મધ્યસત્ર/વિભાજન/પેટા ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં 3636 સરપંચની બેઠકો તથા 16224 સભ્યોની બેઠકો માટે મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં 81 લાખ જેટલા મતદારો મતદાન કરશે. સામાન્ય/મધ્યસત્ર/વિભાજન/પેટા ચૂંટણી હેઠળ કુલ 10479 મતદાન મથકો પર મતદાન યોજાનાર છે. જેમાં 3939 સંવેદનશીલ મતદાન મથકો જ્યારે 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે.