(AAP)આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, Gujarat universityની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે જગ્યા ભરવાની હોય, તેમાંની બે જગ્યાઓ નોમિનેટ કરીને ભરવાની હોય. એમાંની એક જગ્યા ગુજરાતી યુનિવર્સિટીના કુલપતિએ ભરી દીધી છે. પરંતુ જે સંસ્થામાંથી આ નોમિનેશન ભરવાનું હતું એટલે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાંથી આ જગ્યા ભરવાની હતી, પરંતુ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું કે અમે આવી કોઈ નિમણૂક કરી નથી. અને જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે, તે ભાજપના આઈટી સેલના હોદ્દેદાર છે તેવું સંભળાય રહ્યું છે. આ અત્યંત ગંભીર બાબત છે. આ ઘટનાની તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના રાજ્યપાલ સમક્ષ માંગણી કરે છે કે, ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટીઓ આવેલી છે એ તમામ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે નિમણૂક થઈ છે, તેની તપાસ કરવામાં આવે અને ચેક કરવામાં આવે કે આ નિમણૂકો લાયકાતના આધારે થઈ છે કે પછી લાગવગ અને ભલામણના આધારે આપવામાં આવી છે? આ મહાવિદ્યાલયો દેશનું ભવિષ્ય નક્કી કરે છે, દેશના યુવાનોનું ભવિષ્ય આ મહાવિદ્યાલોમાં ઘડાઈ રહ્યું છે, ત્યારે યુનિવર્સિટીઓનું સંચાલન કરવા માટે જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક થઈ રહી છે, તેમાં યોગ્ય વ્યક્તિ અને સજ્જન વ્યક્તિ સ્થાન પામે તે ખૂબ જ જરૂરી છે. આ તમામ યુનિવર્સિટીઓ પર વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ કાયમ રહે તે માટે આ મુદ્દાની તપાસ કરવી અત્યંત જરૂરી છે.