Gujarat: આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતે વર્ષ 2025ને “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજની ઓળખ અને બહાદુરીના પ્રતિક છે, જેમના સન્માનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસની પહેલ આદરી હતી. તેઓ દ્રઢપણે માને છે કે, જ્યારે આપણા આદિવાસી સમુદાયો સમૃદ્ધ થશે ત્યારે ભારત સમૃદ્ધ થશે. તેમના આ વિઝનને અનુસરતાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગુજરાતના આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાના પરિણામે ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે આદિવાસી સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
જીનોમ સિક્વન્સિંગ અને આદિવાસી સમુદાય માટે તેનું મહત્વ
શરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રીને જીનોમ કહેવામાં આવે છે. કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને તેની રચના ને સમજવા માટે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. આ જીનોમમાં થતા ફેરફારો વિશે જણાવે છે. ગુજરાતની આદિવાસી વસ્તી લાંબા સમયથી થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા જેવી આનુવંશિક બીમારીઓનો સામનો કરી રહી છે. અમુક આનુંવાન્શિક બીમારીઓ છેલ્લા સ્ટેજ સુધી પણ શોધી નથી શકાતી અને સારવાર વધુ જટિલ બની જાય છે. જીનોમ સિક્વન્સિંગ દ્વારા, વૈજ્ઞાનિકો મ્યુટેશન (પરિવર્તનો)ને શોધી શકે છે, ઓછા ખર્ચે ડાયગ્નોસ્ટિક પેનલ બનાવી શકે છે અને IVF પ્રક્રિયાઓ દરમિયાન પ્રિનેટલ અથવા તો ગર્ભ-સ્તરનું પરીક્ષણ પણ કરી શકે છે.
જીનોમ મૅપિંગ દ્વારા આદિવાસી સમુદાયનું સ્વાસ્થ્ય સુધારવાનો સંકલ્પ
આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોની સુખાકારી સુનિશ્ચિત કરીને વધુ સારી આરોગ્યલક્ષી યોજનાઓ બનાવવામાં મદદ કરશે. તે રોગનું નિદાન, કુપોષણ અને એનિમિયા જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ અને સિકલ સેલ એનિમિયા અને G6PDની ઉણપ જેવા આનુવંશિક વિકારોના વહેલા નિદાન માટે આનુવંશિક માહિતી પ્રદાન કરશે. તે આહાર, પોષણ અને રોગપ્રતિકારક શક્તિનો અભ્યાસ કરવામાં, સારવારને વધુ અસરકારક બનાવવામાં અને સ્થાનિક આનુવંશિક ફેરફારોને ઓળખવામાં મદદરૂપ બનશે.
ઉદાહરણ તરીકે, જો માતા અને પિતા બંનેમાં બીટા-ગ્લોબિન જનીનની એક મ્યુટેટેડ કૉપી હોય (જેને વાહકો કહેવાય છે), તો 25% શક્યતા છે કે તેમના બાળકને બંને મ્યુટેટેડ કૉપી વારસામાં મળે અને તેને સિકલ સેલ રોગ થાય. જીનોમ મૅપિંગ દ્વારા આવા વાહકોને વહેલી તકે ઓળખી શકાય છે, જેથી રોગ વિશે વહેલી જાણ થાય અને એ માટે નિવારક પગલાં લઈ શકાય. આનાથી સમુદાયના આનુવંશિક લક્ષણો અનુસાર ડીએનએ પરીક્ષણો તૈયાર થઈ શકે છે. આ પરીક્ષણો ફક્ત જે-તે સમુદાયમાં સામાન્ય રીતે થતા જનીન ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો ખર્ચ ફક્ત ₹1,000–1,500 થાય છે. તેની સરખામણીમાં, સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વ્યક્તિના બધા જનીનો ઓળખે છે, જેમાં પ્રતિ નમૂના પાછળ લગભગ ₹1 લાખનો ખર્ચ થાય છે અને એક્ઝોમ સિક્વન્સિંગ ફક્ત જનીનોના કોડિંગ ભાગો વાંચે છે, જેમાં પ્રતિ નમૂના માટે લગભગ ₹18,000–20,000નો ખર્ચ થાય છે. આ રીતે સમુદાય-વિશિષ્ટ પરીક્ષણો વધુ વ્યવહારુ અને ઓછા ખર્ચાળ છે.
ગુજરાત જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે ખાસ આદિવાસી સમુદાયો માટે મોટા પાયે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાત બાયોટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર (GBRC)ના નેતૃત્વ હેઠળ આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોના આનુવંશિક બંધારણનો અભ્યાસ કરીને રોગના પરીક્ષણ, સારવાર અને આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉલ્લેખનીય છે કે, જીનોમ ઈન્ડિયા પહેલ હેઠળ કાર્યરત આ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ એ સમજવાનો પ્રયાસ કરે છે કે આદિવાસી સમુદાયોમાં આનુવંશિક વિકૃતિઓ કેમ વધી રહી છે, જે ઘણીવાર અંતર્વિવાહ અને મર્યાદિત આનુવંશિક વિવિધતાને કારણે થાય છે.
*11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે*
ગુજરાતમાં જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી ડીએનએ નમૂનાઓ એકત્રિત કરીને એક ડેટાબેઝ બનાવી રહ્યા છે, જે આ જૂથોમાં આનુવંશિક રોગોના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 2025-26માં, ગુજરાત સરકારે “આદિવાસી વસ્તી માટે રેફરન્સ જીનોમ ડેટાબેઝનું નિર્માણ” પ્રોજેક્ટને મંજૂરી આપી હતી જેથી એક વ્યાપક જીનોમ ડેટાબેઝ બને અને હાલના ડેટામાં રહેલો તફાવત દૂર થાય. આ પ્રોજેક્ટ ભારત સરકારના બાયોટેક્નોલૉજી વિભાગના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે.
*આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર*
ગુજરાતમાં જીનોમ સંશોધનને વેગ આપવા માટે GBRC ખાતે આધુનિક સુવિધાઓ છે, જેમાં લોંગ-રીડ સિક્વન્સર સહિત ત્રણ જીનોમ સિક્વન્સિંગ મશીનનો સમાવેશ થાય છે, જે એક સમયે 5,000-10,000 બેઝ પેઅર (મૂળ જોડી)નું વિશ્લેષણ કરી શકે છે, જે વૈજ્ઞાનિકોને જટિલ આનુવંશિક ફેરફારો શોધવામાં મદદ કરે છે. આ મશીનોનો ઉપયોગ પહેલાં કોવિડ-19 દરમિયાન કરવામાં આવતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ વ્યાપક જીનોમિક સંશોધન માટે થાય છે.
ગુજરાતમાં દરેક સિક્વન્સિંગ બૅચમાં 25-50 મનુષ્યના જીનોમનું સિક્વન્સિંગ થઈ શકે છે, જેના પરિણામો 48-72 કલાકમાં તૈયાર થઈ જાય છે. સ્થાનિક સુવિધાઓ વધારીને અને ખર્ચનું સંચાલન કરીને, GBRCએ દરેક સેમ્પલની કિંમત ₹85,000 થી ઘટાડીને લગભગ ₹60,000 કરી છે. આ સંશોધન ડૉક્ટરોને સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર આપવામાં અને આધુનિક જીનોમ વિજ્ઞાનથી આદિવાસી સમુદાયોને લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે.





