Gujarat: ગાંધીનગર ખાતે રૂ. ૩૧૬.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર”નું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર (CSC) વચ્ચે સમજૂતી કરાર (MoU) સંપન્ન થયા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ સમારોહમાં પધારેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર” ગુજરાતમાં કાર્યરત થશે. ગુજરાતના પેરા એથ્લિટ્સને વિશ્વ કક્ષાની તાલીમ મળે, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પહેલાના સમયમાં દિવ્યાંગજનો માટે લોકો તિરસ્કૃત શબ્દો વપરાતા હતા, જેનાથી તેમનામાં લઘુતાગ્રંથિનું નિર્માણ થતું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને “દિવ્યાંગ” જેવો સન્માનજનક શબ્દ આપીને દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ ભરી દીધો છે. એ જ આત્મવિશ્વાસ થકી આજે દરેક ક્ષેત્રે દિવ્યાંગજનોનું પરફોર્મન્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભારતમાં નોંધાય છે. 

તેમણે ઉમેર્યું હતું કે, ભગવાને જ્યારે કોઇ માણસને કોઈ ઉણપ આપી હોય, ત્યારે તેની સામે ઈશ્વરે તેને વધુ એક દિવ્ય શક્તિ પણ આપી હોય છે. એટલા માટે જ, વડાપ્રધાનશ્રીએ તેમને “દિવ્યાંગ” જેવો સન્માનજનક શબ્દ આપ્યો છે. આ દિવ્યાંગ ખેલાડીઓની પ્રેક્ટીસ-ટ્રેઈનીંગને વધુ કાર્યક્ષમ બનાવવામાં આ પરફોર્મન્સ સેન્ટર ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમ કહી કેન્દ્રીય મંત્રીશ્રીએ આ સેન્ટરમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્પોર્ટ્સ ફોર ઓલ”ના મંત્રને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રમત-ગમત ક્ષેત્ર માટે અનેક નવી પહેલ કરી છે. જેના પરિણામે આજે ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૦૨માં ગુજરાતનું રમત-ગમત માટેનું બજેટ માત્ર રૂ. ૨ કરોડ હતું, જે આજે વધીને રૂ. ૩૫૨ કરોડ જેટલું થયું છે. આ બજેટ જ રમત-ગમત માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલા – સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં ૧૦ મોટા સ્ટેડીયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ૧૦ સંકુલોમાં જ વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિકની રમતો રમાડવા માટે ભારતે સંકલ્પ કર્યો છે. આ આયોજનની તૈયારીઓ પણ ગુજરાતે અત્યારથી જ શરુ કરી છે, તેમ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારત અને ગુજરાત સરકારે દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેની ફલશ્રુતિરૂપે આજે દેશના પેરા એથ્લિટ્સ પેરા ઓલિમ્પિકમાં મેડલ મેળવીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. આ સંદર્ભે તેમણે ગુજરાતની પેરા ટેબલ ટેનીસ ખેલાડી શ્રી ભાવિના પટેલનું ઉદાહરણ આપીને આગામી સમયમાં પેરા ખેલાડીઓ વધુમાં વધુ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધારશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસનો એક પણ આયામ છોડવામાં આવ્યો નથી. પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા, સૌથી વધુ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ત્રીજો ક્રમ અને કૃષિ વિકાસના નવા દ્વાર જેવા અનેક ક્ષેત્રે આજે દેશ મક્કમતા પૂર્વક આગળ વધી રહ્યો છે. દેશના વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ ડિજિટલાઈઝેશન પર વિશેષ ભાર મૂક્યો છે. નાગરિકોને સરકારી સેવાઓ ઓનલાઈન અને ઘર આંગણે જ મળી રહે તે માટે પણ ભારત અને ગુજરાત સરકારે વિવિધ પહેલો કરી છે.

આજે ગુજરાત સરકારે ભારત સરકારના કોમન સર્વિસ સેન્ટર સાથે સમજૂતી કરાર સંપન્ન કર્યા છે. જેના પરિણામે હવે ભારત અને ગુજરાત સરકારની લગભગ ૩૦૦ જેટલી સેવાઓ નાગરિકોને માત્ર જૂજ અંતરે ઘરની નજીકમાં જ મળી રહેશે, તેમ જાણવી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશમાં આવેલા ડિજિટલ રીવોલ્યુશનની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી.       

`

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના પેરા એથલિટ્સ વર્લ્ડ ક્લાસ ઈન્ફરાસ્ટ્રક્ચર સાથે યોગ્ય તાલીમ મેળવીને વિશ્વ કક્ષાની રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી નેમ આ હાઈ પરફોર્મન્સ સેન્ટર સાકાર કરશે. 

તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં નવા ભારત-વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ મોટા બદલાવો આવ્યા છે. 

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેલકૂદ-રમતગમતને અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રીના અભિગમને કારણે વૈશ્વિક રમતોમાં ભારતના ખેલાડીઓના કૌવત અને કૌશલ્ય ઝળક્યા છે.

એટલું જ નહીં, દિવ્યાંગ ખેલાડીઓ પણ પ્રતિષ્ઠાના પરચમ લહેરાવતા થયા છે. એમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગૃહ મંત્રીશ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં ઉત્તમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે, તેની પણ ભૂમિકા આપી હતી.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે નારણપુરા ખાતે 22 એકરમાં મલ્ટી યુટીલીટી સ્પોર્ટસ સેન્ટર, સરદાર પટેલ  સ્પોર્ટ્સ એન્કલેવ અને આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર જેવી ઉચ્ચતમ સુવિધાઓથી દિવ્યાંગ ખેલાડીઓ સહિત રમતવીરોનું કન્ડિશનિંગ અને ઉચ્ચ ટ્રેનિંગ સરકાર પૂરી પાડે છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી અને ગૃહ મંત્રીશ્રીના માર્ગદર્શનમાં દેશ હવે ઓલિમ્પિક્સ રમતો માટે સજ્જ થઈ રહ્યો છે.

ગુજરાતના ખેલાડીઓને આવી વિશ્વ સ્પર્ધાઓમાં ઉજ્જવળ પ્રદાન માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ પેરા ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ મેળવતા થયા છે, તેની પણ વિગતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 316 કરોડના ખર્ચે નિર્માણ થનારું આ સેન્ટર આવનારા દિવસોમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વર્લ્ડ સ્પોર્ટ્સ ક્ષેત્રે પર્દાપણનું કેન્દ્ર બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓના સપનાઓને આકાર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર હાઈ-ટેક “પેરા હાઇ પરફોર્મન્સ સેન્ટર” તૈયાર થવા જી રહ્યું છે. દિવ્યાંગ ખેલાડીઓના પરફોર્મન્સના ગ્રાફને વધુ ઉંચો લઇ જવા માટે તેમની કોચિંગમાં મેડિકલ સાયન્સ અને AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત આ સેન્ટરના માધ્યમથી કરવામાં આવશે. 

       વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દિવ્યાંગ ખેલાડીઓને મહત્તમ સુવિધાઓ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર એ ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓએ જોયેલા સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે. ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે આ સેન્ટર આગામી બે વર્ષમાં કાર્યરત થશે, તેમ કહી મંત્રીશ્રીએ સૌ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વ શ્રી રીટાબેન પટેલ, શ્રી જે. એસ. પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાગળે ઉપરાંત મોટી સંખ્યામાં ખેલાડીઓ આ ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.