Gujaratની તત્કાલિન નડિયાદ નગરપાલિકા વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે કોર્ટમાં કરાયેલા કેસમાં ચાલી રહેલી સુનાવણી મામલે હવે મનપા તંત્ર લપેટામાં આવી ગયુ છે. ડમ્પીંગ સાઈટમાં થતા ધુમાડાના કારણે આસપાસના નાગરીકોના શ્વાસ ગુંગળાતા હતા, પરંતુ તંત્રની આંખ ઉઘડતી નહોતી, અંતે મામલો NGT કોર્ટ સમક્ષ ગયો અને ત્યાંથી દંડ ભરવાથી માંડી અને ડમ્પીંગ સાઈટની સંપૂર્ણ સ્વચ્છ કરવાની જે રીતે તંત્ર પર તવાઈ આવી, તેનાથી આખા તંત્રની આંખમાં ચોક્કસથી બળતરા થવા લાગી છે.
મળતી માહિતી મુજબ Gujaratમાં આવેલા નડિયાદ ડમ્પીંગ સાઈટ પર ધુમાડાના ગોટેગોટા વળતા હોય અને તેનાથી પ્રદૂષણ ફેલાતુ હોવાથી આસપાસના વિસ્તારોના લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાની ફરીયાદ કરાઈ હતી, આ ડમ્પીંગ સાઈટ રહેણાંક વિસ્તારની નજીક ઉભી કરાઈ હોવાનો ફરીયાદી અને જીપીસીબીનો આક્ષેપ છે.

તેવા સમયે NGT કોર્ટે કેન્દ્રીય પોલ્યુશ કન્ટ્રોલ બોર્ડ, Gujarat પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફીસરની સંયુક્ત સમિતિ બનાવી અને સ્થળ પરનો રીપોર્ટ માંગ્યો હતો. આ વચ્ચે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા નડિયાદ નગરપાલિકાને 8.29 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હવે મનપા તંત્ર આ દંડ ભરી શકશે કે કેમ? તે અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. છેલ્લા 3 ફેબ્રુઆરી, 2025ના દિવસે થયેલી સુનાવણીમાં નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે શામેલ કરવાનું સોગંદનામુ કરવા આદેશ કરાયો, સાથોસાથ અગાઉની મુદ્દતોની માફક પુનઃ મનપા તંત્ર 8.29 કરોડ રૂપિયાનો દંડ જીપીસીબીમાં ભરી શક્યુ ન હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.સાથે જ આ અંગે આગામી એપ્રિલ મહિનાની 7 તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનારી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મંજીપુરા વિસ્તારની કેટલીક સોસાયટીના રહીશો રસ્તે ઉતરી આવ્યા હતા અને મનપાના કચરો ભરીને આવતા ટ્રેક્ટરોને ડમ્પીંગ સાઈટ પર જતા રોક્યા હતા અને વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ ધુમાડાના ગોટેગોટા વળી અને આ પોતાના રહેણાંક વિસ્તારમાં અસહ્ય હવાનું પ્રદૂષણ થતુ હોવાની ફરીયાદ કરી હતી. સ્થાનિકોના વિરોધ બાદ મનપા તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમજાવટ કરી અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારે એકતરફ સ્થાનિકો મનપા તંત્રની આ બેદરકારીને ખુલ્લી પાડી રહ્યા છે, ત્યારે NGT કોર્ટ તંત્રને નિયમોનુસાર ડમ્પીંગ સાઈટ મામલે યોગ્ય કામગીરી કરવા માટે સૂચન આપી રહ્યુ છે.
આસપાસના 7 હજાર નાગરીકો અસરગ્રસ્ત
નડિયાદના મનપા તંત્ર દ્વારા કમળા રોડ પર આવેલી ડમ્પીંગ સાઈટ પર કચરો ઠાલવી દેવાય છે, પરંતુ તેના નિકાલની અસરકારક વ્યસ્થાનો અભાવ છે. પરીણામે આ ડમ્પીંગ સાઈટની ગંદકીમાંથી ધુમાડાના ગોટેગોટા વળે છે અને અસહ્ય દૂર્ગંધ મારે છે. આસપાસમાં કમળા, મંજીપુરા રોડ, મંજીપુરા ગામ સહિતના વિસ્તારોમાં આ પ્રદૂષિત ધુમાડો ફેલાય છે. જેના કારણે આ વિસ્તારોના 7 હજાર નાગરીકો તેનો ભોગ બને છે.
સમયમર્યાદા જાતે નક્કી કર્યા બાદ કાર્યવાહી ન કરી શકી
તત્કાલિન નડિયાદ નગરપાલિકા વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે કોર્ટમાં મામલો દાખલ થયો અને તે બાદ નગરપાલિકા તંત્રએ અગાઉ માર્ચ, 2024માં ડમ્પીંગ સાઈટનો તમામ કચરાનો નિકાલ કરવાનો વાયદો કર્યો. તે વખતે ડમ્પીંગ સાઈટમાં 2.30 લાખ ટન કચરો હતો. તે પાલિકા પોતે આપેલા સમયમાં તે દૂર ન કરી શકી. આ પછી ચોમાસાનું કારણ આગળ ધર્યુ અને વધારે સમય માંગ્યો અને પછીના સમયમાં પણ પાલિકા આ કચરાનું મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ રહી હતી.
આ પણ વાંચો..
- Australia ના દરિયાકિનારા પર રહસ્યમય ફીણથી ગભરાટ, સર્ફર્સ બીમાર પડ્યા
- Patna માં ધોળા દિવસે એક કરોડ રૂપિયાની લૂંટથી હંગામો
- Pakistan માં સેના પરના હુમલાઓ વચ્ચે રાજકીય પક્ષો એક નથી
- Gujarat : NMCમાં કોન્ટ્રાક્ટરોના કરોડોના બિલો અટવાઈ પડ્યા, જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો મામલો
- Gujarat : ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર, લઘુત્તમ વેતન અને કાયમી નોકરીની માંગણી