હાર્દિક દેવકીયા દ્વારા…

Gujarat : હાલ નડિયાદ મનપામાં સમાવી લેવાયેલા અને અગાઉ ગ્રામ પંચાયત તરીકે અસ્તિત્વ ધરાવતા ઉતરસંડા ગામની રોનક બદલાઈ ગઈ છે. એક યુવા સરપંચ ગામને કઈ હદ સુધી સ્માર્ટ બનાવી શકે છે, તેનો ઉત્તમ દાખલો ઉતરસંડામાંથી મળી રહે તેમ છે. એન.આર.આઈ. દાતા અને અન્ય સ્ત્રોતોથી ગામના વિકાસ માટે કરોડો રૂપિયા એકત્ર કરી અને અનેક એવા કામો કરવામાં આવ્યા, જેનાથી ગામની કાયા પલટાઈ ગઈ છે.

ઉતરસંડા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી, ત્યારે આ ગામને છેલ્લા ઈશિત જગદીશભાઈ પટેલ નામના યુવા સરપંચ મળ્યા. આ સરપંચે પોતાના ટુંકા કાર્યકાળ દરમિયાન ગામના વિકાસને એવી દિશા આપી કે, એક વિકસિત શહેર સાથે સરખામણી કરી શકાય. ગામમાંથી પસાર થતા મુખ્ય રોડ પર આવેલા ગોયા તળાવનુ બ્યુટીફીકેશન કરવા ઉપરાંત, મુક્તિધામનું નવીનીકરણ, વૃદ્ધો માટે પ્રમુખ સ્વામી સિનિયર સિટિઝન પાર્ક, બાળકો માટે આર્યન અર્જુન સાહના ઉદ્યાન અને મહંત સ્વામી ઘાટ સહિતના પ્રકલ્પો ઉભા કર્યા.

ગ્રામજનોને ગામમાં જ શહેર જેવી સુવિધા મળે તેવા ખાસ આયોજન કર્યા અને મનપામાં ગામ ભળે તે પહેલા જ 7 કરોડ ઉપરાંતના ઉપરોક્ત તમામ કામો વિવિધ એન.આર.આઈ. દાતાઓની મદદથી પૂરા કર્યા.

5 એપ્રિલે પૂર્વ સરપંચ ઈશિત પટેલ દ્વારા મુંબઈના માજી શેરીફ ડૉ. મોહનભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની અગ્રણીમાં આ તમામ સુવિધાઓનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે હવે જ્યારે ઉતરસંડા જેવા ગામને મનપામાં જોડાયુ છે ત્યારે તંત્રએ તો માત્ર પ્રાથમિક સુવિધાઓ સાથે ગામનું જોડાણ કરવાની કામગીરી બાકી રહી છે. 

ગામમાં આ અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ

  • ઉત્તરસંડા ગામનું મુખ્ય તળાવ એટલે (ગોયા તળાવ) “સૂરજબા સરોવર”નું બ્યુટીફિકેશન કર્યું.
  • મુક્તિધામનું નવીનીકરણ કરી તેને પણ સુંદર રીતે બનાવવામાં આવ્યું.
  • વૃદ્ધો માટે “શ્રી પ્રમુખસ્વામી સિનિયર સિટિઝન પાર્ક”નું લોકાર્પણ કરવામાં આવ્યું અને તેમાં ફિટનેસના સાધનો મૂકવામાં આવ્યા અને વડીલો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી.
  • બાળકો માટે “આર્યન અર્જુન સાહના ઉદ્યાન”નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં રમત ગમત ના સાધનો, સ્કેટિંગ રિંગ નું નિર્માણ કરવામાં આવ્યું.
  • મહંતસ્વામી ઘાટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

1 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અપાઈ

પૂર્વ સરપંચ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગામની શાળામાં અભ્યાસ કરતા 1 હજાર જેટલા બાળકોને અભ્યાસમાં ઉપયોગ આવે તે માટે સનરાઈઝ ફાઉન્ડેશન થકી શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરાયુ હતુ.

85 વર્ષથી વધુ વયના વૃદ્ધોને 1 લાખનો ચેક અપાયો

લોકાર્પણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આવેલા મુંબઈના માજી શેરીફ ડૉ. મોહનભાઈ પટેલ દ્વારા 85 વર્ષથી વધુ આયુ ધરાવતા 45 વૃદ્ધોને 1 લાખ રૂપિયાનો ચેક આપી કુલ 45 લાખ રૂપિયા સહાય સ્વરૂપે આપ્યા હતા.

પૂર્વ સરપંચ 24*7 ગ્રામજનોની પડખે

ઉતરસંડાના કેટલાક નાગરીકો સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, જ્યારથી ઈશિત પટેલ સરપંચ બન્યા હતા, તે દિવસથી તેઓએ 24*7 ગ્રામજનોના હિતની જ વાત કરી છે. ગામના ગમે તે સમાજના માણસને તેમનું કામ પડે તો તે હાજર થઈ જાય છે. ગામનો આખો નક્શો બદલી નાખ્યો છે અને ગામને એક નવી દિશા આપી છે. આજે ગામમાં થયેલા વિકાસ કાર્યોને જોઈ અન્ય ગામોના સરપંચને પણ પ્રેરણા મળે તેવા કામ ઉતરસંડામાં જોવા મળી રહ્યા છે.